ગાંધીનગર, 26 મે,2026 : Two-day ‘Child Care Creation’ program held in Anganwadis રાજ્યની આંગણવાડીઓમાં પ્રવેશોત્સવ અંતર્ગત મહત્તમ નોંધણી સુનિશ્ચિત કરવાના હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૯ અને ૨૦ મે ૨૦૨૬ દરમિયાન ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ મંત્રી ડો. મનીષાબેન વકીલના માર્ગદર્શનમાં રાજ્યના બાળકોના સર્વાંગી વિકાસ, પાયાના શિક્ષણ અને જીવન ઘડતરના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૭.૫૯ લાખથી વધુ વાલીઓ અને ૧૯.૭૦ લાખથી વધુ બાળકો સહભાગી થયા હતા.
આંગણવાડી માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ ઘડતર માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે, જેને આ કાર્યક્રમ થકી વાલીઓ સુધી પહોંચાડવામાં આવી છે. આ બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત વાલીઓ અને બાળકો માટે આંગણવાડી કેન્દ્રો ખાતે વિશેષ માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ દિવસે આંગણવાડીમાં અભ્યાસ કરતા ૩ થી ૬ વર્ષના બાળકો અને તેમના વાલીઓ માટે ખાસ પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી અને બીજા દિવસે આંગણવાડીમાં આગામી સમયમાં પ્રવેશ મેળવવા માટે પાત્ર એવા ૨ થી ૩ વર્ષના નાના બાળકો અને તેમના વાલીઓને આમંત્રિત કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાપૂર્ણ સેવાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આંગણવાડી કેન્દ્રોમાં વાલીઓની ઉપસ્થિતિમાં બાળકોના વિકાસને વેગ મળે તે માટે વિવિધ કળા અને હસ્તકળાની પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. જેમાં બાળકો અને વાલીઓએ સાથે મળીને બોટલના ઢાંકણા, પાંદડા, ઈયરબડ્સ, ભીંડા અને આંગળીઓનો ઉપયોગ કરીને છાપકામ કર્યું હતું. આ ઉપરાંત કાગળના ડૂચા, પિસ્તાના ફોતરાં, પેન્સિલનું છોલ અને રેતીના ઉપયોગથી ચોંટાડવાનું કામ કર્યું હતું. જેમાં કાગળના માસ્ક, આઈસ્ક્રીમની સ્ટીકમાંથી ફોટો ફ્રેમ અને પતંગિયા જેવી કળા અને હસ્તકળાની કૃતિઓ બનાવી હતી. આ ઉપરાંત મણકા પરોવવા, રંગ પૂરવો, ફૂલ-પાંદડાની હાર બનાવવી અને ખાલી બોટલમાં પાણી કે રેતી ભરવી જેવી બાળ-સહજ પ્રવૃત્તિઓથી આંગણવાડીઓ ગુંજી ઉઠી હતી.
સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમમાં ૫૩,૦૦૫ આંગણવાડી કેન્દ્રો ખાતે આ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું. કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે બાળકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા હસ્તકલા અને ડિજિટલ આમંત્રણ પત્રિકાઓ તૈયાર કરાઈ હતી તેમજ પ્રી-પ્રાયમરી એજ્યુકેશન કિટ અને રંગોળીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં આપવામાં આવતા અભ્યાસક્રમ આધારિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને શીખવા-શીખવવાની આધુનિક સામગ્રી વિશે વાલીઓને વિગતવાર માહિતી આપીને બાળકના સુવર્ણ અને ઉજ્જવળ ભવિષ્યની કેડી કંડારવાનો આ એક સરાહનીય પ્રયાસ સાબિત થયો છે.


