1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વ્યારામાં જનજાતિ ગરીમા ઉત્સવ 2026 યોજાયો, 18 લોકોનું સન્માન કરાયું
વ્યારામાં જનજાતિ ગરીમા ઉત્સવ 2026 યોજાયો, 18 લોકોનું સન્માન કરાયું

વ્યારામાં જનજાતિ ગરીમા ઉત્સવ 2026 યોજાયો, 18 લોકોનું સન્માન કરાયું

0
Social Share

વ્યારા, 4 જુન, 2026 : Tribal Pride Festival 2026  રાષ્ટ્રવ્યાપી અભિયાન “જનજાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬” અંતર્ગત તા. ૨ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાના ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર ૧૮ ‘અજાણ્યા નાયકો- અનસંગ હીરો’નું બહુમાન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલીયા, પદ્મશ્રી રમીલાબેન ગામીત, નારી શક્તિ પુરસ્કાર વિજેતા શ્રીમતી નિરંજનાબેન કલાર્થી અને શ્રીમતી ઉષાબેન વસાવા જેવા પ્રખ્યાત આદિવાસી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહના અધ્યક્ષ અને પદ્મશ્રી ડૉ. યઝદી ઇટાલીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું લક્ષ્ય વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને સિકલસેલ એનિમિયા મુક્ત બનાવવાનું છે, જેના માટે સરકાર દ્વારા રૂ. ૨,૫૦૦ કરોડનું માતબર બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સિકલસેલના દર્દીઓના નિદાન, સારવાર અને તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સરકાર દ્વારા સિકલસેલ અંગે મોટાપાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામે આજે દક્ષિણ ગુજરાતમાં ઘરે ઘરે આદિવાસી ભાઈ-બહેનો સિકલસેલ એનિમિયા અંગે જાગૃત થયા છે.

આ પ્રસંગે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી. ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. ૧૦ મે, ૨૦૨૬ થી ૦૯ જૂન, ૨૦૨૬ સુધી “જનજાતિય ગરિમા ઉત્સવ-૨૦૨૬”ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અમૂલ્ય વારસા, ગૌરવશાળી ઇતિહાસ, દેશના વિકાસમાં તેમનું યોગદાન અને વિશિષ્ટ સિદ્ધિઓને ઉજાગર કરવાનો છે. જે સંદર્ભે આજે આદિવાસી કલા, નૃત્ય, શિક્ષણ, આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કરાયેલી ઉમદા કામગીરી કરનાર ‘અજાણ્યા નાયકો- અનસંગ હીરો’નું બહુમાન કરવામાં આવ્યું છે.

આ સમારોહમાં ડૉ. ભરતભાઈ મકવાણા, ડૉ. વિપુલ રામાણી, ડૉ. તેજલ અધ્વર્યુ, ડૉ. દેવચંદ વહોનિયા સહિત આદિજાતિ વિભાગના અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code