પાટણ, 5 જુન, 2026 : Came to know after building a road on private land શહેરની નગરપાલિકાના અંધેર વહિવટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લીધે કોઈ તપાસ કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચે ખાનગી માલિકીની જમીનમાં જાહેર રોડ બનાવી દેતા જમીન માલિકએ રોડની વચ્ચે જ ફેન્સિંગ (તારની વાડ) કરી દેવાતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આમ લાખો રૂપિયાના જનતાના ટેક્સના ખર્ચે બનાવવામાં આવેલો રોડ ખાનગી માલિકીની જમીનમાં બન્યો હોવાનો વિવાદ સામે આવ્યો છે. આ મામલે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે અધિકારીઓની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવી કડક તપાસની માંગ કરી છે.
પાટણ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા વીચુ ખાડ વિસ્તારમાં લાલેશ્વર પાર્કની પાછળ અને ભીલપતિ મંદિરની આગળના ભાગમાં નગરપાલિકા દ્વારા આશરે 12થી 18 મહિના પહેલાં લાખો રૂપિયાના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. હાલમાં આ જમીનના માલિક જીગર પટેલ દ્વારા આ જાહેર રોડ પર જ ફેન્સિંગ ઊભી કરી દેવામાં આવતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો છે, જેના કારણે જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે તાત્કાલિક હરકતમાં આવીને દરમિયાનગીરી કરી હતી. કોર્પોરેટરે ફેન્સિંગ કરનાર જમીન માલિક જીગર પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જમીન માલિક જીગર પટેલનો દાવો કે, નગરપાલિકાએ જે જગ્યા પર રોડ બનાવ્યો છે તે જમીન સંપૂર્ણપણે ખાનગી માલિકીની છે. મેં આ બાબતે અગાઉ નગરપાલિકામાં લેખિત અરજી પણ આપી હતી. પાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની સૂચના અને સંમતિ બાદ જ મેં મારી જમીન પર આ ફેન્સિંગ કર્યું છે.’
ખાનગી જમીન માલિકના આ ખુલાસા બાદ પાટણ નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જો જમીન ખાનગી હતી, તો ટીપી (ટાઉન પ્લાનિંગ) અને એન્જિનિયરિંગ વિભાગે નકશા ચકાસ્યા વગર ત્યાં લાખો રૂપિયાના ખર્ચે રોડ કેવી રીતે બનાવી દીધો? કોર્પોરેટર વિપુલ ઠક્કરે આ કિસ્સાને નગરપાલિકાની ગંભીર બેદરકારી ગણાવી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક તપાસ કરી જનતાના નાણાંનો વેડફાટ કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.


