મોરબી, 7 જુલાઈ 2026 : Farmers reject electricity pole compensation જિલ્લાના જેતપર ગામે વાડી-ખેતરોમાં વીજ પોલ નાંખવા સામે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લીધે ગુજરાત સરકારે વીજ પોલ વળતરની જાહેરાત કરતાં ખેડૂતોએ ઉપવાસ આંદોલન સમેટી લીધુ હતું. ત્યારબાદ રાજ્ય સરકારે વીજ પોલ વળતર અંગે પરિપત્ર જાહેર કરતા અને એમાં જોગવાઈઓ જોતા ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે, જેને પગલે ખેડૂત આગેવાનોએ હવે ‘આંદોલન પાર્ટ 3’ શરૂ કરવાનું એલાન કરી દીધું છે.
મોરબીના જેતપુર સહિત આજુબાજુના ગામોના વાડી-ખેતરોમાં વીજ પોલ નાંખવા સામે ખેડૂતોએ વિરોધ કરીને ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. ખેતરોમાં નાખવામાં આવતા વીજપોલ અને વીજ વાયર સામે પૂરતું અને યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે જેતપર ગામના ખેડૂતો છેલ્લા 19 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. સતત ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડી રહી હતી. દરમિયાન ગુજરાત સરકારે વીજ પોલમાં વળતરની જાહેરાત કરી હતી. સરકારની અપીલ બાદ ખેડૂતોએ ઉપવાસ આંદોલન સમેટી લીધુ હતું. નકલંક મંદિરના મહંત દામજી ભગત તેમજ જુદા-જુદા ગામના ખેડૂતો અને સમાજની દીકરીઓના હસ્તે ઉપવાસીઓને પારણા કરાવી આંદોલનનો બીજો તબક્કો (પાર્ટ 2) પૂર્ણ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારે વીજ પોલ વળતર અંગે પરિપત્ર જાહેર કર્યો છે. જેને ખેડૂતોએ ફગાવી દઈને પાર્ટ-3 આંદોલનનું એલાન કર્યું છે.
ખેડૂતોના આંદોલનકારી અગ્રણી નેહુલભાઈ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે.


