સુરત, 7 જુલાઈ, 2026 : Two died after suffering an electric shock upon touching an iron staircase શહેરના રાંદેર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે વરસાદ પડી રહ્યા હતો, ત્યારે એક યુવાને વરસાદમાં ભીંજાવવાની મોજ માણ્યા બાદ ભીના કપડે પોતાના ઘરમાં જઈને લોખંડની સીડીને અડતા જ અચાનક વીજ કરંટ લાગતા ઢળી પડ્યો હતો. આથી યુવાનને બચાવવા માટે પાડોશમાં રહેતો યુવાન દોડી આવ્યો હતો. અને તેને પણ વીજ કરન્ટ લાગતા બન્ને યુવાનોના મોત મોત નિપજ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના રાંદેરગામમાં મોટી મસ્જિદ પાસે આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકલે સાંજે પડેલા ધોધમાર વરસાદમાં આઝમ ઘરની બહાર વરસાદી પાણીમાં નહાવા માટે ગયો હતો. વરસાદમાં નાહ્યા બાદ તે ભીના કપડે પરત ઘરમાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરની લોખંડની સીડી ચઢતી વખતે તેમાં ઉતરેલા શોર્ટ સર્કિટના ભારે કરંટની ચપેટમાં આઝમ આવી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે આઝમ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. આઝમને કરંટ લાગ્યો હોવાની અને તે તરફડી રહ્યો હોવાની જાણ પાડોશમાં જ રહેતા તેના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખને થઈ હતી. માનવતા અને મિત્રતાના નાતે સલમાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આઝમને બચાવવા માટે દોડ્યો હતો. પરંતુ કમનસીબે, જેવો સલમાને આઝમને પકડવાનો કે બચાવવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ ભીના શરીરના કારણે હાઈવોલ્ટેજ કરંટ સલમાનના શરીરમાં પણ પસાર થઈ ગયો હતો. જોતજોતામાં બંને મિત્રો કરંટના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.
આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ લાઈન બંધ કરાવી બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ ચકાસણી બાદ બંનેને સિવિલ લાવતા પહેલા જ મૃત જાહેર કર્યા હતા.


