અમદાવાદ, 5 સપ્ટેમ્બર, 2026 : Rains are dragging on and heat is increasing ગુજરાતમાં સીઝનને સરેરાશ 75.44 ટકા જ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં 29.49 ટકા જ પડ્યો છે. એટલે વરસાદની 70 ટકાથી વધુ ઘટ છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની 45 ટકા ઘટ છે. ચોમાસાના વરસાદના કહી શકાય એવા બે મહિના પૂર્ણ થવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે સામાન્ય ઝાપટાં પડવાની આગાહી કરી છે. બીજીબાજુ વરસાદ ખેચાતા તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 32 ડિગ્રીને વટાવી ગયો છે. ભાવનગરમાં તાપમાન 36.3 ડિગ્રી, રાજકોટમાં 34.5 ડિગ્રી, અમદાવાદમાં 33.8 ડિગ્રી, ભૂજમાં 34.4, તેમજ વડોદરા, સુરત અને ડીસામાં પણ તાપમાન 33 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં તાપમાન વધવા સાથે ઉકળાટ પણ વધ્યો છે.
ગુજરાતમાં વરસાદના લાંબા વિરામથી તાપમાનનો પારો ઊંચકાયો છે. ભાવનગરમાં 36.3°C સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતુ, જ્યારે અમદાવાદમાં 33.8°C તાપમાન નોંધાયું હતુ. ચોમાસામાં પણ ઉનાળા જેવો બફારો અને ઉકળાટ થઈ રહ્યો છે. રાજ્યમાં સરેરાશના 75.44 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રના દેવભુમિ દ્વારકા, જામનગર અને પોરબંદર તેમજ જુનાગઢ સૌથી ઓછા વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે,
રાજ્યના હવામાન વિભાગે 10 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ જેવા કે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરમાં આગામી કેટલાક દિવસોમાં થોડા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે. હાલમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
હવામાન વિભાગના કહેવા મુજબ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં વેલ માર્ક્ડ લો પ્રેશર એરિયા રચાયું છે. આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં દક્ષિણ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના સરહદી વિસ્તારો તરફ આગળ વધવાની શક્યતા છે. આ સાથે અરબી સમુદ્રથી ગુજરાત પર થઈને પસાર થતી ટ્રફના કારણે રાજ્યમાં ચોમાસાની સ્થિતિ સક્રિય રહેવાની સંભાવના છે.


