Homeગુજરાતીગુજરાતજનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દીર્ઘજીવી હોય છે: PM નરેન્દ્ર મોદી

જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દીર્ઘજીવી હોય છે: PM નરેન્દ્ર મોદી

નવસારી, 9 સપ્ટેમ્બર, 2026 : Change brought about by the power of the common people is permanent and long-lasting: PM Modi વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી હાઇવે પર ગ્રીડ નજીક દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ-AI આધારિત અત્યાધુનિક ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે વડાપ્રધાનએ ‘નમો કમલમ’ પરિસરના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય કાર્યાલય, મીડિયા વિભાગ, કોલ સેન્ટર, લાઈબ્રેરી, સાંસદ અને ધારાસભ્યની કેબિન તેમજ પંડિત દિનદયાળ મીટિંગ હોલ, શ્યામાપ્રસાદ મુખર્જી હોલ અને અટલ સભાખંડનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે વિશાળ જાહેરસભામાં વડાપ્રધાનએ ઉપસ્થિત જનમેદનીને પ્રેરક સંબોધન કરતા કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ દાયકાઓથી પ્રેમ અને સમર્પણ સાથે જનસેવાનો માર્ગ અપનાવ્યો છે, જેના પરિણામે આજે નવસારી જિલ્લો વિકાસની દોડમાં અગ્રેસર રહ્યો છે. નવું ‘નમો કમલમ’ કાર્યાલય માત્ર એક ઇમારત નહીં, પરંતુ સામાન્ય માનવીની સમસ્યાઓના સમાધાનનું અને સેવાનું જીવંત તીર્થસ્થાન બનશે.

‘સત્તાનો મોહ નહીં, પણ સેવાનો ભેખ’ એ સરકારનો મંત્ર છે એમ જણાવી વડાપ્રધાનએ ઉમેર્યું કે, ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓમાં સેવા અને સંસ્કારની ભાવના વિકસાવે છે. સમાજ સર્વોપરી છે અને જનતા જનાર્દનને ઈશ્વરના સ્વરૂપ તરીકે માનીને સેવાના સંસ્કારોને જીવનનો સહજ સ્વભાવ બનાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો.

નવસારી જિલ્લામાં હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ જણાવ્યું હતું કે, સરકારી વ્યવસ્થાથી નાના-મોટા સ્વચ્છતાના કામો થાય તે સ્વાભાવિક છે, પરંતુ ઈશ્વરના રૂપ સમાન જનસામાન્યની શક્તિથી આવતું પરિવર્તન સ્થાયી અને દીર્ઘજીવી હોય છે. અને નાગરિકોમાં નવો વિશ્વાસ પેદા કરે છે. તેમણે સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખીને તેને જીવનનો સહજ સંસ્કાર બનાવવા અને જનસેવાના આ યજ્ઞમાં ઉત્સાહથી સહભાગી બનવા પ્રેરણા આપી હતી.

નવસારીની પાવન ધરા પર વડાપ્રધાનને આવકારતા મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, અમારી સરકાર વિકાસની રાજનીતિ કરે છે, પોલિટિકલ પરફોર્મન્સ એ જ આ સરકારના કામનો મહત્વનો આધાર છે. જેના કારણે સામાન્ય કાર્યકર પણ લોકહિત માટે પોતાની જાત ખપાવી દે છે. કાર્યકરો છેવાડાના નાગરિકો સુધી સંપર્કમાં રહે તેવી પ્રણાલી  નરેન્દ્રભાઈએ ઉભી કરી છે. તેમણે આપેલો “નાગરિક દેવો ભવ”નો મંત્ર કાર્યકરોનો જીવનમંત્ર બન્યો છે.

સ્વાગત ઉદ્દબોધન કરતા નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વિકસિત ભારત અને સેવા હી સંગઠનના સંકલ્પ સાથે નવસારીમાં સંગઠનાત્મક કાર્ય અને પ્રજાલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓની નવી ઊંચાઈઓ સર કરી  છે. નવસારી જિલ્લાના નાનકડા કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે દેશના વડાપ્રધાન સ્વયં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે તે સમગ્ર જિલ્લા ભાજપ પરિવાર માટે અતિ ગૌરવશાળી ક્ષણ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular