Homeગુજરાતીગુજરાતબાથરૂમમાં નહાવા ગયેલી કિશોરીનું ગેસ ગીઝરને લીધે મોત, સુરતમાં બન્યો બનાવ

બાથરૂમમાં નહાવા ગયેલી કિશોરીનું ગેસ ગીઝરને લીધે મોત, સુરતમાં બન્યો બનાવ

સુરત, 21 સપ્ટેમ્બર, 2026 : Teenager dies due to gas geyser વેન્ટીલેશન વિનાના બાથરૂમમાં ગેસ ગીઝર હવે જોખમરૂપ બની રહ્યા છે. ગેસ ગીઝરના ઝેરી ગેસથી ગુંગળાવવાને લીધે મોતના બનાવ પણ બની રહ્યા છે. ત્યારે શહેરમાં ગેસ ગીઝરે 15 વર્ષીય કિશોરીનો ભોગ લીધો છે. શહેરના કતારગામ વિસ્તારમાં ગુણાતીત નગરમાં રહેતી પ્રિયમ વરિયા નામની કિશોરી ગણેશ આરતી પહેલાં નહાવા માટે પોતાના ઘરના બાથરૂમમાં ગઈ હતી. લાંબા સમય સુધી બહાર ન આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં અંતે દરવાજો તોડવામાં આવ્યો હતો, ત્યારે બાથરુમમાં કિશોરી બેભાન અવસ્થામાં મળી આવી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, કતારગામ ગુરુદ્વારા પાસે આવેલી ગુણાતીત નગર સોસાયટીમાં રહેતા અને બેંકમાં ફરજ બજાવતા જીગ્નેશભાઈ વરીયાની પુત્રી પ્રિયમ નજીકની ખાનગી સ્કૂલમાં ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. સવારના સમયે પોતાના ઘરના બાથરૂમમાં પ્રિયમ નહાવા ગઈ હતી.  બાથરૂમમાં ગેસ ગીઝર લગાવવામાં આવ્યું હતું. તેમજ બાથરૂમની બારી બંધ હોવા ઉપરાંત યોગ્ય વેન્ટિલેશન કે એક્ઝોસ્ટ ફેનની સુવિધા પણ નહોતી. જેના કારણે ગીઝરમાંથી નીકળતો ઝેરી ગેસ બાથરૂમમાં જ એકઠો થયો હોવાથી ગુંગણામણને કારણે કિશોરીનું મોત નીપજ્યું હતું.

સમગ્ર મામલે મૃતક કિશોરીના પરિવારજનોએ જણાવ્યું કે, પ્રિયમ બાથરૂમમાં નહાવા માટે ગયા બાદ આશરે દોઢ કલાક સુધી બહાર ન આવતા શંકા ગઈ હતી. જેથી તેઓએ બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. ત્યારબાદ દરવાજો તોડીને જોતા પ્રિયમ બેભાન હાલતમાં મળી આવી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે કિરણ હોસ્પિટલ ખસેડી હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ પ્રિયમને મૃત જાહેર કરી હતી.  આ ઘટનાને પગલે પરિવાર પર દુઃખનું આભ ફાટી નીકળ્યું છે. પ્રાથમિક રીતે ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઈડના કારણે બાથરૂમમાં ઓક્સિજનની અછત સર્જાઈ અને પ્રિયમ ગૂંગળાઈ ગઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આ કિસ્સો બંધ જગ્યામાં યોગ્ય વેન્ટિલેશન વિના ગેસ ગીઝર ચલાવવું જોખમી બની શકે તેવો ઉદાહરણરૂપ બન્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular