અમદાવાદ, 9 ઓક્ટોબર, 2026 : 3 airlines increase fuel surcharge ફ્યુઅલના ભાવમાં વધારો થતાં દેશની જાણીતી વિમાની કંપની એવી એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને અકાસા એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં વધારો કરતા હવાઈ મુસાફરી મોંઘી બની છે. ત્રણેય એરલાઈન્સના વધારેલા દરો આજે તા. 9 ઓક્ટોબરથી નવા બુકિંગ પર સરચાર્જ લાગુ થઈ ગયો છે. આ ફેરફારને કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં અંતર પ્રમાણે મુસાફરોએ હવે 400 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. જોકે, જે પ્રવાસીઓએ અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી છે તેમના પર આ વધારાની કોઈ અસર થશે નહીં. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
ફ્યુઅલ સરાચાર્જમાં વધારો કર્યા બાદ એરલાઈન્સ કંપનીઓના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વધતા તણાવને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ના ભાવ સતત વધી રહ્યા છે. કોઈપણ એરલાઈન માટે ઈંધણનો ખર્ચ સૌથી મોટો હિસ્સો ધરાવે છે. ઈંધણના વધતા ભાવને પગલે કંપનીઓ પર આર્થિક બોજ વધતાં આ સરચાર્જ વધારવાની નાછૂટકે ફરજ પડી છે.
એર ઈન્ડિયાએ એપ્રિલ 2026માં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે અંતરના આધારે ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો હતો. તે સમયે 0 થી 500 કિલોમીટરની ઉડાન પર 299 રૂપિયા, 501થી 1000 કિલોમીટર પર 399 રૂપિયા, 1001 થી 1500 કિલોમીટર પર 549 રૂપિયા, 1501 થી 2000 કિલોમીટર પર 749 રૂપિયા અને 2000 કિલોમીટરથી વધુ અંતરની ઉડાન પર 899 રૂપિયા સરચાર્જ વસૂલવામાં આવતો હતો. હવે આ તમામ સ્લેબમાં વધારો કરવામાં આવ્યો છે. એર ઈન્ડિયામાં હવે 0 થી 500 કિમીના અંતર માટે 400 રૂપિયા, 501 થી 1000 કિમી માટે 600 રૂપિયા, 1001 થી 1500 કિમી માટે 850 રૂપિયા અને 1501 કિમીથી વધુના અંતર માટે 1200 રૂપિયા સરચાર્જ ચૂકવવો પડશે. સૌથી ટૂંકા રૂટ પર 101 રૂપિયા અને લાંબા રૂટ પર 451 રૂપિયા સુધીનો વધારો થયો છે. એર ઈન્ડિયા એક્સપ્રેસમાં 9 ઓક્ટોબર રાત્રે 12:00 વાગ્યાથી અને એર ઈન્ડિયામાં સવારે 11:00 વાગ્યાથી આ નવા દરો લાગુ થશે.
આ ઉપરાંત અકાસા એરલાઈન્સે પણ આજે 9 ઓક્ટોબર રાત્રે 12:01 વાગ્યાથી નવો સરચાર્જ લાગુ કર્યો છે. સ્થાનિક ફ્લાઈટ્સમાં 0 થી 500 કિમી માટે 375 રૂપિયા, 501 થી 1000 કિમી માટે 600 રૂપિયા, 1001 થી 1500 કિમી માટે 900 રૂપિયા અને 1501 કિમીથી વધુ અંતર માટે 1150 રૂપિયા ચાર્જ લાગશે. આ ઉપરાંત કુવૈત, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, થાઈલેન્ડ અને વિયેતનામ જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિ મુસાફર 2500 રૂપિયા નવો ફ્યુઅલ સરચાર્જ લેવામાં આવશે.
એર ઈન્ડિયા ગ્રુપે આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર પણ ફેરફાર કર્યા છે. વેસ્ટ એશિયા અને મિડલ ઈસ્ટના રૂટ પર સરચાર્જ 50 ડોલરથી વધારીને 55 ડોલર કરાયો છે. જોકે લાંબા અંતરના રૂટ પર રાહત આપતાં નોર્થ અમેરિકા માટે સરચાર્જ 280 ડોલરથી ઘટાડીને 215 ડોલર, ઓસ્ટ્રેલિયા માટે 280 થી ઘટાડીને 210 ડોલર અને યુરોપ માટે 205 ડોલરથી ઘટાડીને 135 ડોલર કરવામાં આવ્યો છે.


