ગાંધીનગર, 28 ઓક્ટોબર, 2026 : National Unity Day celebrated across Gujarat અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે તા. ૩૧મી ઓક્ટોબરે “રાષ્ટ્રીય એકતા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ કરવાનો તથા સામાજિક સમરસતાનો સંદેશ આપે છે.
રાજ્યભરમાં આગામી ૩૧ ઓક્ટોબરે સાંજે ૫:૦૦ થી ૫:૩૦ કલાક દરમિયાન વંદેમાતરમનું સામૂહિક ગાન, એકતા પરેડ, સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ કાર્યક્રમ તેમજ સમાજમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સાંજે ૫:૩૦ કલાકથી SOU ખાતે યોજાનાર એકતા પરેડ તથા અન્ય કાર્યક્રમોનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. તદુપરાંત સાંજે ૭:૧૦ કલાકથી વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ સામૂહિક રીતે નિહાળવામાં આવશે.
વધુમાં, આ વર્ષે ૩૧ ઓક્ટોબરે રાજ્યમાં ગ્રામીણ સ્તરે ગ્રામ પંચાયતો અને તાલુકાઓથી લઈને શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સુધી તમામ સ્તરે આ ઉજવણી વ્યાપકપણે કરવામાં આવશે. નાગરિકોમાં વધુમાં વધુ રાષ્ટ્રભાવના જાગૃત કરવા માટે એકતા શપથ ગ્રહણ, ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) અને સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં નાગરિકોની સાથે તમામ સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ આ મહોત્સવમાં સક્રિય સહભાગી થશે.
રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી સંસ્થાઓના ખેડૂતો, મહિલા અને સ્વસહાય જૂથ, શિક્ષણ, આરોગ્ય અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ અને નાગરિકોની લોકભાગીદારી, દરેક ગામ/નગરપાલિકા/મહાનગરપાલિકામાંથી નાગરિકોની ઉપસ્થિતિમાં એકતા રેલી તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે મુખ્ય સચિવ એમ. કે. દાસના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં સભ્ય તરીકે કૃષિ-પશુપાલન, સહકાર, ગૃહ, મહેસૂલ, નાણા, આરોગ્ય, શહેરી વિકાસ, શિક્ષણ, પંચાયત, સામાન્ય વહીવટી વિભાગના ઉચ્ચ સનદી અધિકારીઓનો સમાવેશ થાય છે. ( File photo)


