અમદાવાદ, 29 ઓક્ટોબર, 2026 : Congress attacks BJP government સરદાર સાહેબનું જીવન સાદગીભર્યું હતું, ત્યારે ભાજપ સરકાર સરદાર સાહેબના નામે પોતાની છબી ચમકાવવા કરોડો રૂપિયાના ખર્ચે કાર્યક્રમો યોજી રહી છે. ભાજપ સરકાર પાસે ખેડૂતોના આંસુ લૂછવા માટે પૈસા નથી, પરંતુ પોતાના ગુણગાન ગવડાવવા માટે સરકારી-સહકારી તિજોરીમાંથી ૩૧મી ઓક્ટોબરે યોજાનારા કાર્યક્રમમાં અઢળક ખર્ચ કરાશે. સરદાર સાહેબનું નામ લેવું સહેલું છે, પરંતુ તેમના આદર્શો પ્રમાણે શાસન કરવું જરૂરી છે. સરકારી નાણાંનો કરકસરપૂર્વક અને જનહિતમાં ઉપયોગ કરવો એ જવાબદાર સરકારની ફરજ છે. તેમ પ્રદેશ ક્રોંગ્રેસના પ્રવક્તા ડો, મનીષ દોશીએ જણાવ્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના ૧૫ જિલ્લાઓના ૪૫થી વધુ તાલુકાઓમાં દુષ્કાળની અસર હોવા છતાં માત્ર ચાર જિલ્લાઓને જ અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. એક તરફ ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, ખેતીની સ્થિતિ કથળી રહી છે અને ગામડાં મોટા પાયે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે, ત્યારે બીજી તરફ મોદી સરકાર પોતાની છબી ઊભી કરવામાં વ્યસ્ત છે. સરદાર સાહેબનો આદર્શ સાદગીનો, સરકારનો રસ્તો સ્વપ્રચારનો. સરદાર વલ્લભભાઈ પટેલે રાષ્ટ્રની એકતા, જનસેવા અને જવાબદારીનું મહાન ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સરદાર સાહેબનું નામ લેવું સહેલું છે, પરંતુ તેમના આદર્શો પ્રમાણે શાસન કરવું જરૂરી છે. સરકારી નાણાંનો કરકસરપૂર્વક અને જનહિતમાં ઉપયોગ કરવો એ જવાબદાર સરકારની ફરજ છે. પણ છેલ્લા ૩૦ વર્ષથી ગુજરાતમાં અને ૧૨ વર્ષના કેન્દ્રના શાસનમાં ભાજપા સરકારે કરોડો રૂપિયા સ્વપ્રસિધ્ધી-પ્રચારમાં વેરફી નાખ્યાં છે.
તેમણે કહ્યું કે, મળતી માહિતી મુજબ, ગુજરાતનાં ૧૮,૦૦૦ ગામોમાં ભાષણ કાર્યક્રમનું આયોજન કરવાની વાત છે, જેમાંથી આશરે ૧૨,૦૦૦ ગામોના ખર્ચની જવાબદારી અમૂલ, ૩,૦૦૦ ગામોની ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ (GSC) અને ૩૦૦૦ ગામોની ગુજકોમાસોલ દ્વારા ખર્ચ ઉઠાવવાની વિગતો સામે આવી છે. આ કરોડો રૂપિયાના ખર્ચની સત્તાવાર વિગતો અને નાણાંના સ્ત્રોત અંગે સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. પ્રશ્ન એ છે કે સહકારી સંસ્થાઓના નાણાં ખેડૂતો, પશુપાલકો અને ગ્રામ્ય વિકાસ માટે વપરાવા જોઈએ કે પછી સરકારના ભાષણો અને વ્યક્તિગત છબીના પ્રચાર માટે ?
તેમણે ઉમેર્યુ કે, ખાતરના ભાવમાં વધારો, દેવાનો બોજ સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે. એનપીકે ખાતરની થેલીદીઠ રૂ. ૫૦૦ના વધારાનો મુદ્દો હોય કે ખેતીનાં ઓજારો અને ખાતર પર જીએસટીનો બોજ દરેક મોરચે ખેડૂતની આર્થિક સ્થિતિ પર દબાણ વધી રહ્યું છે. ગુજરાતના ખેડૂતો પર અંદાજે રૂ.૧ લાખ કરોડના દેવાના બોજાનો મુદ્દો પણ ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર અને સંબંધિત સહકારી સંસ્થાઓએ સ્પષ્ટ કરવું જોઈએ કે ૩૧મી ઓક્ટોબરના કાર્યક્રમમાં કેટલો ખર્ચ થશે, કોણ ચૂકવશે અને આ ખર્ચ માટે કઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.?


