સુરત, 11 નવેમ્બર,2026 : Fire breaks out at Varachha Railway Police Line campus શહેરના વરાછા રોડ પર આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. પોલીસ લાઈન સંકુલમાં લાગેલી આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જોતજોતામાં આગની જ્વાળાઓ આસપાસ પાર્ક કરેલા જપ્ત કરેલા વાહનો સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે 26 વાહનો સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયા હતા. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વરાછા રોડ પર પોદ્દાર આર્કેડની બાજુમાં આવેલી રેલવે પોલીસ લાઈન કેમ્પસમાં એક ઝાડમાં અચાનક આગ લાગી હતી. ઝાડની આસપાસ પોલીસ દ્વારા અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલી જૂની તથા બંધ હાલતની કુલ 32 જેટલી મુદ્દામાલના વાહનો પાર્ક કરેલા હતા. સૂકા ઝાડ અને પવનના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી અને પાર્ક કરેલા વાહનોને લપેટમાં લઈ લીધા હતા. આગ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં 26 વાહનો આગની લપેટમાં આવીને સંપૂર્ણપણે ખાક થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક ઘાંચીશેરી ફાયર સ્ટેશનની ટીમને રવાના કરવામાં આવી હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે વોટર ટેન્કર સહિતના સંસાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર ટીમના ત્વરિત પગલાંને લીધે અન્ય 6 વાહનો બચી ગયા હતા અને મોટી હોનારત ટળી હતી.








