અમદાવાદ, 14 નવેમ્બર, 2026 : Passengers create ruckus at airport after Ahmedabad-Dubai flight cancelled શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈ જતી સ્પાઈજેટની ફ્લાઈટ એકાએર રદ કરાતા દૂબઈ જનારા પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. પ્રવાસીઓએ એરપોર્ટ પર એરલાઈનના કર્મચારીઓને ઘેરીને ભારે હોબાળો મચાવ્યો હતો. કહેવાય છે કે, દુબઈ એરપોર્ટ પર બાકી નીકળતા નાણાંની ચુકવણી ન થવાને કારણે સર્જાયેલા વિવાદમાં સ્પાઈસજેટની ફ્લાઈટ અચાનક રદ કરવામાં આવી હતી.
અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દૂબઈ જવા માટે પ્રવાસીઓ સમયસર આવી ગયા હતા. લગેજ અને ઈમિગ્રેશન સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે, સ્પાઈજેટની દૂબઈ જનારી ફ્લાઈટ રદ કરવામાં આવી છે. આથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મોટાભાગના પ્રવાસીઓ દૂબઈ ફરવા માટે જઈ રહ્યા હતા. પ્રવાસીઓ અને એરલાઇનના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પ્રવાસીઓ પાસે માત્ર રિફંડ લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. આથી એરલાઈનના કસ્ટમર કેર કાઉન્ટર પર પ્રવાસીઓએ રિફન્ડ માગણી કરી હતી. પણ એરલાઈનના કર્મચારીઓએ કસ્ટમર સપોર્ટમાં ઈમેલ કરવાની સલાહ આપતા પ્રવાસીઓ રોષે ભરાયા હતા.
પ્રવાસીઓએ આક્ષેપ કર્યો હતો કે, એરલાઇનના સ્ટાફ દ્વારા ‘માત્ર 10 મિનિટ’ અને ‘અડધો કલાક’ કહીને તેમને વહેલી સવારના પાંચ વાગ્યાથી બપોર સુધી એરપોર્ટ પર બેસાડી રાખવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ લેવલ પર હાજર કર્મચારીએ પોતે એકલા હોવાનું અને નિર્ણય લેવાની સત્તા પોતાના હાથમાં ન હોવાનું જણાવતા હતા.
સૂત્રોના કહેવા મુજબ દુબઈ એરપોર્ટ ઓથોરિટી અને ગ્રાઉન્ડ હેન્ડલિંગ એજન્સી ‘દનાતા’ (dnata)ના અંદાજે 14 મિલિયન યુએઈ દિરહામ એટલે કે લગભગ રૂપિયા 35.85 કરોડ જેટલા બાકી લેણાં ન ચૂકવાતા સ્પાઈસજેટની ચેક-ઈન સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. 13 ઓક્ટોબરથી કોઈ ચુકવણી ન થઈ હોવાનું જણાવી દુબઈ એરપોર્ટ દ્વારા આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેની સીધી અસર ભારત-દુબઈ વચ્ચેની ફ્લાઈટ્સ પર પડી છે.








