રાજકોટ, 14 નવેમ્બર, 2026 : Modern library on Saurashtra University campus remains closed સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં રૂપિયા 7.71 કરોડના ખર્ચે અદ્યત્તન લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાયબ્રેરીનું ગત 2 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના ત્રણ માસ બાદ પણ હજુ આ આધુનિક લાયબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી. RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ સાથે 5 લાખ જેટલા પુસ્તકોનો ડિજિટલ રેકોર્ડ અને વાઈફાઇ રૂમ સાથેની સુવિધાસભર આ લાયબ્રેરી રીડિંગ માટે ખૂલ્લી ન મુકાતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓ 24 કલાક લાયબ્રેરીનો ઉપયોગ કરી શકે એવી અદ્યત્તન લાયબ્રેરીનું રૂપિયા 7.71 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાયબ્રેરી શરૂઆતથી વિવાદમાં રહી છે. અગાઉ કોરોના કાળને લીધે આ બિલ્ડીંગનું બાંધકામ અટક્યું હતું. ત્યારબાદ TRP અગ્નિકાંડને પગલે 9 મીટરથી વધુ ઉંચાઈવાળા બિલ્ડીંગમાં ફાયર NOCનો નિયમ આવતા નવી લાયબ્રેરીનું લોકાર્પણ લાંબા સમયથી અટક્યું હતું. જોકે, હવે લોકાર્પણ બાદ પણ જૂની લાયબ્રેરીમાંથી પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ નવી લાયબ્રેરીમાં શિફ્ટ કરવામાં, RFID લગાવવામાં તેમજ પીવાના પાણી વ્યવસ્થા કરવા સહિતમાં ભારે વિલંબ થતા વિદ્યાર્થીઓ આધુનિક સુવિધાથી વંચિત રહ્યા છે. અને લાયબ્રેરીના લોકાર્પણ બાદ પણ તાળાં લાગેલા છે.
આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં તૈયાર કરવામાં આવેલી નવી અદ્યતન સેન્ટ્રલ લાયબ્રેરીનું કામ હવે આખરી તબક્કામાં છે અને દિવાળીના વેકેશન બાદ તેને વિદ્યાર્થીઓ માટે વિધિવત રીતે ખુલ્લી મૂકવામાં આવશે. આ નવી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની સુવિધા માટે અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. લાયબ્રેરીને સંપૂર્ણપણે ડિજિટાઇઝ્ડ કરવામાં આવી છે અને ત્યાં વાઇ-ફાઇની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની ઉત્તમ વ્યવસ્થા અંતર્ગત આર.ઓ. (RO) પ્લાન્ટ, વોટર કૂલર અને ફ્રીજની સુવિધાઓનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બિલ્ડિંગમાં સુરક્ષાના ભાગરૂપે ફાયર સેફ્ટીની તમામ આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.








