જુનાગઢ, 15 નવેમ્બર, 2026 : Lioness dies after being hit by train ચલાલા-જુનાગઢ મીટરગેજ રેલવે લાઈન પર વિસાવદર તાલુકાના ખંભાળિયા નજીક આવેલા ઓઝત નદીના પુલ પાસે લોકલ ટ્રેનની અડફેટે આવી જતા અંદાજે ૫થી ૯ વર્ષની સિંહણનું મોત નિપજ્યુ હતું. રેલવેના આ રૂટ પર સિંહ અકસ્માતની પ્રથમવાર ઘટના બનતા વન વિભાગ અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આ બનાવની વિગત એવી છે કે, જૂનાગઢથી વિસાવદર, ધારીથી ચલાળા તરફ જતી ટ્રેન બપોરના સાડા બાર વાગ્યા આસપાસ વિસાવદર તાલુકાના ખંભાળિયા નજીક પહોંચી ત્યારે અચાનક સિંહણનું ટ્રેન હડફેટે મોત થયું છે. ઓઝત નદીના પુલ આસપાસના વિસ્તારમાં આ સિંહણ ઘેટા-બકરાના ટોળાનો શિકાર કરવા માટે પાછળ દોડી રહી હતી. શિકારની લ્હાયમાં સિંહણને ટ્રેક પર આવતી ટ્રેનનો અંદાજ રહ્યો ન હતો અને અચાનક મીટરગેજ રેલવે ટ્રેક પર આવી ચડતા પસાર થઈ રહેલી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે સિંહણ ટ્રેક પર જ કપાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
વન વિભાગના કહેવા મુજબ, વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ નજીક ઓઝત નદી પાસે આવેલા રેલવે ફાટક પર પિલર નંબર 44 અને 29/6 પોલ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. વિસાવદર રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ખંભાળિયા ગામે જૂનાગઢથી ચલાલા જતી ટ્રેનમાં આશરે 12.30 કલાકે એક સિંહણ ટ્રેન નીચે આવી જતા ગંભીર ઈજા થતા તેનું સ્થળ પર જ મોત થયું છે. જેની જાણ વન વિભાગને થતા અધિકારી સાથે સ્થળ ઉપર પહોંચી ગયા. ત્યારબાદ તેની તપાસ કરીને આગળની કાર્યવાહી અમારી ચાલુ છે અને વન વિભાગ તેમજ રેલવેની ટીમ દ્વારા જોઈન્ટ અમે તપાસ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે.








