અમદાવાદ, 18 નવેમ્બર,2026 : Drunk Scorpio driver hits two bikes and a car શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના નરોડા વિસ્તારમાં હંસપુરા વિઠ્ઠલપ્લાઝા નજીક નશાની હાલતમાં બ્લેક સ્કોર્પિયોના ચાલકે પોલીસનું બોર્ડ મારેલી નંબર પ્લેટ વિનાની મહિન્દ્રા મહિન્દ્રા XUV કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. આ અકસ્માતને લીધે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. અને નશાની હાલતમાં કારચાલકને બહોર કાઢીને પોલીસ હવાલે કર્યો હતો. બે પોલીસકર્મીએ ઘટનાસ્થળે પહોંચીને સ્કોર્પિયોચાલક આરોપીને એક પ્રાઈવેટ કારમાં લઈ જતા સમયે હાજર લોકોએ જોરથી કારનો દરવાજો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, ગત મોડીરાતે નરોડાના હંસપુરા વિસ્તારમાં કાળી સ્કોર્પિયો કારના ચાલકે પીધેલી હાલતમાં બેદરકારીભરી રીતે વાહન ચલાવી પોલીસનું પાટીયું મારેલી નંબર પ્લેટ વગરની મહિન્દ્રા XUV કાર અને બે બાઇકને અડફેટે લીધા હતા. સ્થાનિકોએ કારચાલકને પકડીને બહાર કાઢ્યો, ત્યારે તે લથડિયા ખાઈ રહ્યો હતો. આ અંગે જય સોનારા નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, તે દહેગામનો રહેવાસી છે અને GLS યુનિવર્સિટીમાં ડિઝાઇનિંગનો અભ્યાસ કરે છે. રાત્રે હંસપુરામાં આવેલા વિઠ્ઠલ પ્લાઝામાં દીપિકા સાડીની દુકાન સામે કાર પાર્ક કરી હતી. આ સમયે જય સોનારા ગાડીની વચ્ચેની સીટમાં બેઠો હતો, તે દરમિયાન સ્કોર્પિયો (GJ 18 BR 8182) કારના ચાલકે પોતાની કાર પૂરઝડપે ચલાવીને જયની કારને ટક્કર મારી હતી. એટલું જ નહીં સ્કોર્પિયો કારચાલકે પાછળ પાર્ક કરેલી લલિત ગૌતમભાઈ મેસરીયાની બાઇકને પણ ટક્કર મારી હતી. અકસ્માત થતા લોકોનું ટોળું એકઠું થયુ હતું અને કારચાલકને પકડીને કારની બહાર કાઢતા નશાની હાલતમાં લથડિયા ખાતો હતો. બાદમાં તેનું નામ પૂછતાં 27 વર્ષીય આકાશ અમરતભાઈ સથવારા અને ખોડિયારનગરમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. સ્કોર્પિયાના ચાલકની પૂછતાછ કરતા તેણે નરોડા જી.ઈ.બી. પાસે એચ.પી. પેટ્રોલ પંપ સામેના રોડ પર નિખિલભાઈ ઉતેકરની બાઇકને પણ ટક્કર મારી નુકસાન કર્યું હોવાનું કહ્યુ હતું,
આ બનાવમાં સ્થાનિક લોકોએ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરતા બે પોલીસકર્મીએ ઘટનાસ્થળે પહોંચીને કારચાલકની અટકાયત કરી હતી. બાદમાં આરોપીને એક પ્રાઈવેટ કારમાં લઈ જતા સમયે હાજર લોકોએ જોરથી કારનો દરવાજો બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક આકાશ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.








