સુરત, 19 નવેમ્બર, 2026 : Stones pelted on Vande Bharat train ગાંધીનગરથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન (ટ્રેન નંબર 20902) પર મંગળવારે સાંજના સમયે સુરત નજીક કોઈ તોફાની તત્વોએ પથ્થરમારો કરતા ટ્રેનના એક કોચનો કાચ તૂટી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નથી. આ ઘટનાની જાણ થતાં આરપીએફનો કાફલો દોડી ગયો હતો. અને તપાસ શરૂ કરી છે. છેલ્લા મહિનામાં સુરત નજીક વંદે ભારત પર પથ્થરમારાની 3 ઘટના સામે આવી છે. જ્યારે ગઈ તા. 8મી નવેમ્બરે એટલે કે 10 દિવસ પહેલા જ અમરેલી નજીક વંદેભારત પર પથ્થરમારો થયો હતો.
દેશની પ્રીમિયમ અને હાઈ-સ્પીડ ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારાનો બનાવ બન્યો છે. મંગળવારે સાંજે ગાંધીનગરથી મુંબઈ તરફ જતી વંદે ભારત ટ્રેન સુરતની હદમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વો દ્વારા તેના પર પથ્થરમારો કરાયો હતો. જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા યાત્રીઓમાં થોડીવાર માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ધોરણે ઉધના રેલવે પોલીસની ટીમને ઘટનાસ્થળે દોડાવવામાં આવી હતી. પોલીસ કાફલાએ રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ સ્થળ પરથી કોઈપણ સંદિગ્ધ વ્યક્તિ મળી આવ્યો ન હતો. હાલ ઉધના રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ આરંભી છે.
આ અંગે વેસ્ટર્ન રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 20902) પર સાંજે 5:23 કલાકે પથ્થરમારાની ઘટના બની હતી, ટ્રેનના એક કોટનો બહારનો કાચ ક્રેક થઈ ગયો હતો. પેસેન્જરે આ અંગે જાણ કરતા જ્યારે RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો ન હતો, તેમજ આસપાસના સ્થાનિક લોકોની પૂછપરછમાં પણ કોઈ અસામાજિક તત્વ જોવા મળ્યું ન હોવાનું સામે આવતા અંતે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








