સુરત, 24 નવેમ્બર, 2026 : Scam by luring high returns in stock market, 5 accused arrested સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર ફ્રોડ અને છેતરપિડીંના બનાવો વધી રહ્યા છે. ત્યારે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપીને લોકો પાસે ઓનલાઈન રોકાણ કરાવીને શરૂઆતમાં નફો બતાવીને વધુ રોકાણ કરાવીને ફ્રોડ કરવામાં આવતો હોય છે. અને લોકો પણ શેર બજારમાં વધુ વળતરની લાલચે રૂપિયા ગુમાવી રહ્યા છે. ત્યારે શેરબજારમાં ઊંચા નફાની લાલચ આપી રૂ.14.47 લાખની ઓનલાઈન છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ સેલને મોટી સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને તપાસના આધારે પોલીસે મધ્યપ્રદેશના ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી પાંચ આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં આ ગેંગ દ્વારા છેલ્લા એક વર્ષમાં 12 બેંક એકાઉન્ટ મારફતે રૂ.8.22 કરોડથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પણ મળી આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના એક ફરિયાદી સાથે શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી રૂપિયા 14,47,997ની ઓનલાઈન છેતરપિંડી આચરવામાં આવી હતી. આ કેસમાં સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી 5 આરોપીની ધરપકડ કરી હતી. આ હાઈ-પ્રોફાઈલ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના તમામ સભ્યો માત્ર ધોરણ 10થી 12 સુધીનો જ અભ્યાસ ધરાવે છે. આ ગેંગે છેલ્લા એક વર્ષમાં 12 બેંક એકાઉન્ટ મારફતે ₹8,22,00,969ના શંકાસ્પદ વ્યવહારો કર્યા હોવાનું સામે આવ્યું છે.
સાયબર ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીના કહેવા મુજબ આ ગેંગની છેતરપિંડી કરવાની પદ્ધતિ અત્યંત શાતિર હતી. આરોપીઓ સૌપ્રથમ શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છુક લોકોનો ડેટા મેળવી તેમને વ્હોટ્સએપ અને ફોન દ્વારા સંપર્ક કરતા હતા. શરૂઆતમાં તેઓ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે Groww અને Angel One જેવી જાણીતી એપ્લિકેશનમાં ડિમેટ એકાઉન્ટ ખોલાવી તેમાં રોકાણ કરાવતા અને થોડો નફો પણ અપાવતા હતા. ત્યારબાદ આ એપ્સમાં વધુ કમિશન અને ચાર્જિસ લાગતા હોવાનું બહાનું કાઢી, પોતાની ડેવલપ કરેલી ‘Wealth Trade’ નામની બનાવટી APK ફાઈલની લિંક મોકલી એપ ડાઉનલોડ કરાવતા હતા. ફરિયાદી એકવાર નકલી ‘Wealth Trade’ એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલે ત્યારબાદ આરોપીઓ વ્હોટ્સએપ મારફતે અલગ-અલગ બેંક એકાઉન્ટની વિગતો મોકલી તેમાં નાણાં ટ્રાન્સફર કરાવતા હતા. એપ્લિકેશનમાં શરૂઆતમાં નફો બતાવી વધુ રોકાણ કરાવ્યા બાદ અચાનક ડિમેટ એકાઉન્ટમાં મોટું નુકસાન થયું હોવાનું જણાવી રોકાણકારોના પૈસા પરત આપતા નહોતા. સુરતના ફરિયાદી પાસેથી પણ આ જ રીતે ₹14.47 લાખ પડાવી લેવાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.
પોલીસે કોલ સેન્ટરમાંથી 19 અને આરોપીઓ પાસેથી 5 મળી કુલ 24 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. તપાસ દરમિયાન કોલ સેન્ટરમાંથી ભારતના વિવિધ રાજ્યોના કુલ 3,079 કસ્ટમરોનો ડેટા મળી આવ્યો છે. આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા 12 બેંક એકાઉન્ટને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર ચેક કરતા ઉત્તરપ્રદેશમાં 3, તેમજ પશ્ચિમ બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં 1-1 મળી કુલ 7 ફરિયાદો નોંધાયેલી હોવાનું ખુલ્યું છે, જેમાં અંદાજે 1 કરોડની ઠગાઈ થઈ છે.








