વડોદરા, 9 જુન, 2026 : Girl caught red-handed stealing from a jewellery shop શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક જ્વેલર્સમાં બની-ઠનીને આવેલી એક યુવતીએ સોનાના દાગીના ખરીદવાનું કહેતા શો રૂમનો સ્ટાફ દાગીના બતાવી રહ્યો હતો. દરમિયાન દાગીના નિહાળતી વખતે યુવતીએ સ્ટાફને વાતોમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. અને સ્ટાફની નજર ચૂકવી યુવતીએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી. જોકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે યુવતીનો ભાંડો ફૂટી જતાં તેને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી. યુવતી પકડાઈ જતા તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ યુવતીને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, પરંતુ શો રૂમ સંચાલકોએ આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરી નહોતી.
આ બનાવની વિગત એવી છે. કે, વડોદરા શહેરના રેસકોર્સ વિસ્તારમાં એક જાણીતા જ્વેલરી શો રૂમમાં ખરીદીના બહાને આવેલી હાઈ પ્રોફાઇલ દેખાતી યુવતીએ લાખો રૂપિયાના કિંમતી દાગીના ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, શોરૂમના સ્ટાફની સતર્કતાના કારણે યુવતીનો ભાંડો ફૂટી જતાં તેને રંગેહાથ પકડી પાડવામાં આવી હતી.યુવતી પકડાઈ જતા તેને પગે પડીને માફી માંગી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ બની-ઠનીને ગોગલ્સ પહેરીને એક યુવતી ગ્રાહક બનીને શો રૂમમાં પ્રવેશી હતી અને સોના તથા ડાયમંડના દાગીના જોવા માંગ્યા હતા. દાગીના નિહાળતી વખતે તેણે પોતાની વાતોમાં સ્ટાફને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્ટાફની નજર ચૂકવી મહિલાએ એક કિંમતી ગોલ્ડ-ડાયમંડની ઈયરરિંગ્સ તથા ફિંગર રિંગ પોતાના મોઢામાં છુપાવી દીધી હતી. જોકે, યુવતીની હિલચાલ પર સ્ટાફને શંકા જતાં દાગીનાની ફરી ગણતરી કરવામાં આવી હતી. તેમાં કેટલીક વસ્તુઓ ગાયબ હોવાનું જણાતા સ્ટાફે યુવતીની પૂછપરછ શરૂ કરી હતી. સ્ટાફની સતર્કતા અને કડકાઈ સામે યુવતી ગભરાઈ જતાં તેના મોઢામાંથી ચોરી કરાયેલા દાગીના મળી આવ્યા હતા. આ રીતે લાખો રૂપિયાના દાગીનાની ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
આ બનાવની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવતીની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતી દ્વારા અગાઉ પણ અન્ય મોટા જ્વેલરી શોરૂમોને નિશાન બનાવવામાં આવ્યા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


