1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. થેલેસેમિયાના દર્દીઓ માટે વરદાનરૂપ બનતી અમદાવાદ સિવિલની હાઈટેક સુવિધાઓ
થેલેસેમિયાના દર્દીઓ માટે વરદાનરૂપ બનતી અમદાવાદ સિવિલની હાઈટેક સુવિધાઓ

થેલેસેમિયાના દર્દીઓ માટે વરદાનરૂપ બનતી અમદાવાદ સિવિલની હાઈટેક સુવિધાઓ

0
Social Share

અમદાવાદ, 8 મે 2026: Today is World Thalassemia Day  દર વર્ષે ૮ મેના રોજ વિશ્વભરમાં થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટેની થીમ “Hidden No More: Finding the Undiagnosed. Supporting the Unseen” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય એક પણ દર્દી નિદાન વગર ન રહે અને તમામ જરૂરિયાતમંદોને યોગ્ય તબીબી સહાય મળે તે સુનિશ્ચિત કરવાનો છે.

આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, “રાજ્ય સરકાર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી આધુનિક સારવાર અને જાગૃતિ અભિયાન આ દિશામાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાત સરકારના ‘થેલેસેમિયા મુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલ એક આશાનું કિરણ બનીને ઉભરી છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ આ અંગે જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને બી.જે. મેડિકલ કોલેજ દ્વારા થેલેસેમિયા પીડિત બાળકોને સર્વાંગી અને સંપૂર્ણ નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતમાં લ્યુકો-ડિપ્લિટેડ બ્લડ ટ્રાન્સફ્યુઝન અને ચેલેશન થેરાપી જેવી અદ્યતન સેવાઓ શરૂ કરવામાં સિવિલ હોસ્પિટલ અગ્રેસર રહી છે.

પીડિયાટ્રીક વિભાગના વડા ડો. જોલી વૈષ્ણવના જણાવ્યા મુજબ, થેલેસેમિયા એ એક વારસાગત રક્તરોગ છે. જેમાં શરીર પૂરતું હિમોગ્લોબિન બનાવી શકતું નથી. હાલમાં સિવિલ હોસ્પિટલમાં દર મંગળવાર અને ગુરુવારે આશરે ૮૧ જેટલા બાળકોને લોહી ચઢાવવાની (Blood Transfusion) સેવા આપવામાં આવે છે. દર્દીઓની સુરક્ષા માટે અહીં ‘લ્યુકો-ડિપ્લિટેડ પેક્ડ સેલ વોલ્યુમ’ આપવામાં આવે છે, જેથી લોહી ચઢાવ્યા પછી થતા તાવ જેવી આડઅસરોને અટકાવી શકાય.

*નિદાન અને સારવારની સુવિધાઓ*

સિવિલ હોસ્પિટલ ખાતે માત્ર લોહી ચઢાવવાની જ નહીં, પરંતુ લાંબા ગાળાની અસરોને રોકવા માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે:

 અદ્યતન તપાસ:બાળક અને પરિવારના સભ્યો માટે HPLC જેવી ટેસ્ટ દ્વારા ચોક્કસ નિદાન.

નિયમિત મોનીટરીંગ: સીરમ ફેરીટિન ટેસ્ટ, 2D ઇકો કાર્ડિયોગ્રાફી, અને આંખ-કાનની તપાસ.

નિઃશુલ્ક દવાઓ: શરીરમાં વધતા આયર્નને નિયંત્રિત કરવા માટે Deferasirox અને Deferiprone જેવી દવાઓનું વિનામૂલ્યે વિતરણ.

બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ: કાયમી સારવાર માટે BMT અંગે નિષ્ણાત કાઉન્સેલિંગ અને માર્ગદર્શન.

થેલેસેમિયાથી બચવાના મુખ્ય ઉપાયો:

 – લગ્ન પહેલાં યુવક-યુવતીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો.

 – HPLC ટેસ્ટ દ્વારા કેરિયર સ્ક્રીનિંગ કરાવવું.

 – ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ જરૂરી તપાસ કરાવી.

 – પરિવારના અન્ય સભ્યોનું પણ સ્ક્રીનિંગ કરાવવું.

થેલેસેમિયા કોઈ ચેપી રોગ નથી, પરંતુ તે પેઢી દર પેઢી ઉતરતો રોગ છે.  જો લગ્ન પહેલાં માત્ર એક ટેસ્ટ કરાવવામાં આવે, તો આવનારી પેઢીને આ ગંભીર બીમારીથી બચાવી શકાય છે. ‘જાગૃતિ એ જ બચાવ’ના મંત્ર સાથે સિવિલ હોસ્પિટલ આજે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code