ગાંધીનગર, 8 મે 2026: Carbon credits will be a game changer for organic farming રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે થઈ રહેલી કામગીરીની સમીક્ષા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યકક્ષાની બેઠક યોજાઈ હતી. પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા માટે બ્રાન્ડિંગ-માર્કેટિંગ ઉપર ભાર મુકતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ પેદાશોનું યોગ્ય બ્રાન્ડિંગ થવાથી લોકોનો વિશ્વાસ વધશે. માર્કેટિંગ વ્યવસ્થા થવાથી લોકો પૂરતા પ્રાકૃતિક ઉત્પાદનો ખરીદી શકશે. આ ઉપરાંત કાર્બન ક્રેડિટ થકી ખેડૂતોને વધારાની આવક મળતા પ્રાકૃતિક કૃષિને વધુ વેગ અપાવવામાં કાર્બન ક્રેડિટ ગેમ ચેન્જર સાબિત થશે. રાસાયણિક ખેતીના કારણે આજે માનવ સ્વાસ્થ્ય, જમીન, પાણી અને પર્યાવરણ પર ગંભીર અસર પડી છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ રોગોથી પીડાઈ રહ્યા છે, જમીનની ઉત્પાદકતા ઘટી રહી છે તેમજ પાણી અને હવા પણ પ્રદૂષિત થઈ રહ્યા છે. આવા સમયમાં પ્રાકૃતિક ખેતી જ આ તમામ સમસ્યાઓનું સ્થાયી સમાધાન છે.
રાજ્યપાલએ રાજયની કૃષિ યુનિવર્સિટીઓને વધુમાં વધુ સંશોધનો કરી તેનો પ્રચાર પ્રસાર જણાવ્યું હતું. તેમણે રાજ્યમાં યુરિયાનો ન્યૂનતમ ઉપયોગ થાય તથા યુરિયા બચાવવા બદલ કેન્દ્ર સરકાર તરફથી મળતા વળતરનો પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર વધારવામાં ઉપયોગ થાય તે દિશામાં કામ કરવા સૂચવ્યું હતું. આ બેઠક દરમિયાન કૃષિ વિભાગ તથા કૃષિ યુનિવર્સિટીઓએ મહિના દરમિયાન કરેલ કામગીરી તેમજ પહેલો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, સંયુક્ત સચિવ નીતિન સંગવાન, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા, પશુપાલન વિભાગ અને કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


