અમદાવાદ, 28 એપ્રિલ 2026: AIMIM and SP open their accounts in the local body elections રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9,000 થી વધુ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પરિણામોમાં મોટાભાગની બેઠકો ભાજપે કબજે કરી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP ના ત્રિપાંખિયા જંગમાં ઓવૈસીની પાર્ટી અને અખિલેશ યાદવની સપાએ પણ પોતાની હાજરી નોંધાવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો પર ભાજપે એકતરફી પ્રભુત્વ જાળવી રાખ્યું છે. મોટાભાગની જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો વિજ્યી મેળવ્યો છે. આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર જીત મેળવીને પોતાની પકડ જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે કોંગ્રેસનું પ્રદર્શન ભાજપની સરખામણીએ નબળું જોવા મળ્યું છે. કચ્છના ભુજમાં વોર્ડ નંબર-1માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ જોરદાર એન્ટ્રી કરી છે. ભુજ નગરપાલિકામાં AIMIM ના 3 ઉમેદવારોએ જીત પ્રાપ્ત કરી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના મતોમાં ગાબડું પાડ્યું છે. જ્યારે ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 4 માં સમાજવાદી પાર્ટીના ઉમેદવારે જીત મેળવી છે. ગુજરાતના રાજકારણમાં સપાની આ એન્ટ્રીએ વિશ્લેષકોને વિચારતા કરી દીધા છે.
ગુજરાતના મતદારોએ પક્ષપલટુઓને જાકારો આપ્યો છે. જેમાં જૂનાગઢની ભેસાણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે, આપ સાથે છોડીને ભાજપમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1700 મતોથી પરાજય થયો છે. આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ રૂપારેલિયાની જીત થઈ છે. જ્યારે આમ આદમી પાર્ટી (AAP)માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાનો વિજ્ય થયો છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રાજુ કરપડાએ જીત મેળવી છે.
જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે. મોટી ઘંસારીમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ટાઈ થતા બંને ઉમેદવાર વચ્ચે ચીઠ્ઠી નંખાઈ હતી. જેમાં AAPના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા વિજેતા જાહેર થયા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતના માળિયાહાટીના તાલુકાની અમરાપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે.
સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને જનતાનો મૂડ પારખવા માટેનો લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. ભાજપ માટે આ પરિણામો આત્મવિશ્વાસ વધારનારા છે, જ્યારે વિપક્ષી છાવણીમાં નવી રણનીતિ ઘડવાની જરૂરિયાત જણાઈ રહી છે. સાંજ સુધીમાં તમામ બેઠકોના ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યાર સુધીના વલણોમાં કેસરીયો લહેરાતો જોવા મળી રહ્યો છે.


