અમદાવાદ, 8 ઓક્ટોબર, 2026 : sanctuaries, national parks to be opened for tourists from tomorrow નવરાત્રી,દિવાળી જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને દેશ-વિદેશના પ્રવાસીઓ- સહેલાણીઓ માટે રાજ્યના વન વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક આગામી તા. ૯ ઓક્ટોબર ૨૦૨૬થી સહેલાણીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે. વન વિભાગની માર્ગદર્શિકા મુજબ વન્ય પ્રાણીઓને ખલેલ ના પહોંચે તે પ્રકારે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે તેમ, વન વિભાગ દ્વારા જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં વરસાદની સિઝન પૂર્ણ થતાં તેમજ અભયારણ્ય- નેશનલ પાર્કમાં રોડ- રસ્તાની અનૂકુળતા બનતા પ્રવાસીઓ સહેલાઈથી પ્રવાસ કરી શકશે. આ નિર્ણયથી આ વિસ્તારમાં નાના -મોટા રોજગાર સાથે જોડાયેલા સ્થાનિકોને રોજગારી પણ મળી રહેશે. રાજ્યના તમામ અભ્યારણ્ય અને નેશનલ પાર્કની દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓ લાભ લઈ શકે તે માટે તા.9મી એક્ટોબરને શુક્રવારથી ખૂલ્લા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત સિવાય દેશના વિવિધ પ્રતિષ્ઠિત રણથંભોર ટાઇગર રિઝર્વ- રાજસ્થાન,સતપુરા ટાઈગર રિઝર્વ- મધ્યપ્રદેશ,બંદિપુર ટાઈગર અને નાગરહોલ ટાઈગર રિઝર્વ- કર્ણાટક, સરિસ્કા ટાઈગર રિઝર્વ- રાજસ્થાન,પેન્ચ ટાઈગર રિઝર્વ અને તડોબા- અંધારી ટાઈગર રિઝર્વ-મહારાષ્ટ્ર સહિત ૯ જેટલા અભયારણ્ય- નેશનલ પાર્ક ગત તા. ૦૧ ઓક્ટોબર ૨૦૨૬થી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે.


