ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 મેન્સ એશિયા કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટુર્નામેન્ટ 12 થી 21 ડિસેમ્બર દરમિયાન દુબઈમાં રમાશે. આયુષ મ્હાત્રેને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારતને પુરુષોના અંડર-19 એશિયા કપ માટે ગ્રુપ A માં રાખવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાની સાથે પાકિસ્તાનને પણ આ ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે બે અન્ય ટીમો ક્વોલિફાયર દ્વારા ગ્રુપમાં પ્રવેશ કરશે. પી બીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને અન્ય ક્વોલિફાઇંગ ટીમનો સમાવેશ થશે.
અંડર-19 એશિયા કપમાં આઠ ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરથી શરૂ થશે. ઓપનિંગ મેચમાં ટીમ ઈન્ડિયા દુબઈના આઈસીસી એકેડેમી ગ્રાઉન્ડ ખાતે ક્વોલિફાયર 1નો સામનો કરશે. તે જ દિવસે ધ સેવન સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 3માં પાકિસ્તાનનો સામનો થશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ડિસેમ્બરે હાઇ-વોલ્ટેજ મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 19 ડિસેમ્બરે યોજાનારી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
આ ટુર્નામેન્ટને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
ગ્રુપ A: ભારત, પાકિસ્તાન, ક્વોલિફાયર 1, ક્વોલિફાયર 3
ગ્રુપ B: બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, ક્વોલિફાયર 2
ટુર્નામેન્ટ 12 ડિસેમ્બરે દુબઈમાં શરૂ થશે, અને ભારત 12 ડિસેમ્બરે તેની પહેલી મેચ રમશે. ત્યારબાદ ટીમ 14 અને 16 ડિસેમ્બરે તેની બાકીની બે લીગ મેચ રમશે. ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય તેના પાછલા પ્રદર્શનને પુનરાવર્તિત કરવાનું અને ફરીથી ટાઇટલ જીતવાનું રહેશે.
ભારતની અંડર-19 ટીમ
કેપ્ટન: આયુષ મ્હાત્રે
વાઇસ-કેપ્ટન: વિહાન મલ્હોત્રા
અન્ય ખેલાડીઓ: વૈભવ સૂર્યવંશી, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (wk), હરવંશ સિંહ (wk), યુવરાજ ગોહિલ, કનિષ્ક ચૌહાણ, ખિલન એ. પટેલ, નમન પુષ્પક, ડી. દિપેશ, હેનીલ પટેલ, કિશન કુમાર સિંહ, ઉધવ મોહન, એરોન જ્યોર્જ.


