1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક સેલ્ફી લેતા નદીમાં પડેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત
ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક સેલ્ફી લેતા નદીમાં પડેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત

ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક સેલ્ફી લેતા નદીમાં પડેલી બહેનને બચાવવા જતા ભાઈનું મોત

0
Social Share

ભરૂચ, 1 ફેબ્રુઆરી 2026: શહેર નજીક નર્મદા નદી પરના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પર ફરવા આવેલા ભાઈ-બહેન માટે આજે રવિવારનો દિવસ કાળમુખો સાબિત થયો છે. નર્મદા નદીના કિનારે સેલ્ફી લેતા પગ લપસી જવાથી નદીમાં ખાબકેલી બહેનને બચાવવા માટે સગા ભાઈએ જીવના જોખમે નદીમાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં સ્થાનિકોએ બહેનને તો સુરક્ષિત બચાવી લીધી, પરંતુ બહેનને બચાવવા કૂદેલો ભાઈ પાણીના પ્રવાહમાં ડૂબી જતાં મોત નિપજ્યુ હતું.

આ બનાવની વિગત એવી છે કે,  સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતા ભાઈ-બહેન નયન અને કિરણ રવિવારની રજા માણવા ભરૂચ આવ્યા હતા. તે જ્યારે ગોલ્ડન બ્રિજ પરથી નદીના દ્રશ્યો નિહાળી રહ્યા હતા અને પોતાના મોબાઈલ ફોનમાં ફોટા પાડી રહ્યા હતા, ત્યારે અચાનક કિરણનો પગ લપસતા તે સીધી નદીમાં પડી હતી.  બહેનને પાણીમાં ડૂબતી જોઈ ભાઈ નયન ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યો હતો. કિનારા પર હાજર સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરી કિરણને હેમખેમ બહાર કાઢી લીધી હતી. પરંતુ, નયન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ભરૂચ અને અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ બોટ અને ડાઇવર્સની મદદથી કલાકો સુધી નદીના પટમાં શોધખોળ આદરી હતી. લાંબી જહેમત બાદ નયનનો દેહ મળી આવતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code