અમદાવાદ, 4 મે 2026: Census to begin from June ગુજરાતમાં આગામી જૂન મહિનાથી વસતી ગણતરીનો પ્રારંભ કરાશે. બે તબક્કામાં યોજનારી વસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં દરેક ઘરની માહિતી એકત્ર કરવામાં આવશે. કર્મચારી દ્વારા દરેક પરિવારદીઠ 33 સવાલો પૂછવામાં આવશે. હાઉસ ટુ હાઉસ ગણતરી શરૂ થાય તે પહેલા નાગરિકને પોતાની માહિતી જાતે જ નોંધાવવાની તક પણ આપવામાં આવશે. 2011માં વસતિ ગણતરી થયા બાદ 2021માં થવાની હતી. પરંતુ, કોવિડના કારણે મુલતવી રહેતા હવે 2026-27માં વસતી ગણતરી કરવામાં આવશે.
ભારતમાં કોવિડના કારણે 2021માં મુલતવી રહેલી 16મી વસતિ ગણતરી હવે હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં આગામી જૂન મહિનાથી વસતી ગણતરીનો પ્રારંભ થશે. વનસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસલિસ્ટિંગ અને બીજા તબક્કામાં મુખ્ય વસતિ ગણતરી હાથ ધરાશે. બંને તબક્કામાં સ્વ-ગણતરી (Self Enumeration) ની ઓનલાઈન સુવિધા પણ પ્રથમ વખત આપવામાં આવી છે. સેલ્ફ-એન્યુમરેશન એક વેબ પોર્ટલ દ્વારા થશે, જેમાં લોકો ઘરે-ઘરે સર્વેક્ષણના 15 દિવસ પહેલા પોતાની માહિતી જાતે ઓનલાઈન ભરી શકશે. પોર્ટલ પર ફોર્મ ભરવા માટે 16 ભાષાઓ આપવામાં આવી છે. આ સંપૂર્ણપણે વૈકલ્પિક છે. જે લોકો સ્વ-ગણતરી નહીં કરે, તેઓ પરંપરાગત રીતે સરકારી કર્મચારી ઘરે આવે ત્યારે ડેટા આપી શકે છે. જેમણે ઓનલાઈન ફોર્મ ભર્યું છે, તેમનો ડેટા ચકાસવા માટે પણ સરકારી કર્મચારી તેમના ઘરે જશે.
આ વસતિ ગણતરીમાં આધુનિક ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થવાની શક્યતા છે, જેમાં દરેક ઘરને ડિજિટલ મેપ પર ‘ડિજી ડોટ’ તરીકે દર્શાવવામાં આવશે. આથી આપત્તિના સમયે બચાવ કામગીરીમાં મદદ મળશે, સીમાંકન પ્રક્રિયા વધુ સરળ બનશે અને શહેરી આયોજનમાં પણ સચોટતા આવશે. તે ઉપરાંત, શહેરીકરણ અને સ્થળાંતરના દર અંગે સચોટ માહિતી મળશે અને આગામી વર્ષોમાં વિકાસના મૂલ્યાંકન માટે મદદરૂપ થશે. સાથે જ, આધાર સાથે જોડાયેલ જિયો-ટેગિંગ દ્વારા મતદાર યાદીને વધુ સચોટ બનાવવામાં અને ડુપ્લિકેટ નામો દૂર કરવામાં પણ સહાય મળશે.


