1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ખાનગી બસમાંથી બે શખસો પિસ્તોલ-તમંચો અને 29 જીવતા કારતૂસ સાથે પકડાયા
ખાનગી બસમાંથી બે શખસો  પિસ્તોલ-તમંચો અને 29 જીવતા કારતૂસ સાથે પકડાયા

ખાનગી બસમાંથી બે શખસો પિસ્તોલ-તમંચો અને 29 જીવતા કારતૂસ સાથે પકડાયા

0
Social Share

ગાંધીનગર, 4 મે 2026: Two men caught with pistol-gun and 29 live cartridges જિલ્લાની ચિલોડા પોલીસ દ્વારા સમયાંતરે હાઈવે પરના વાહનોનું ચેકિંગ કરવામાં આવે છે. ત્યારે ચિલોડા પોલીસની ટીમ મોડી રાત્રે નેશનલ હાઈવે 8 ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે ખાનગી લક્ઝરી બસમાંથી બે શખ્સોને બે પિસ્ટલ, એક તમંચો અને 29 જીવતા કારતુસ મળીને અંદાજિત કુલ રૂ. 90 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ શખ્સો ઘાતક હથિયારો રાજસ્થાનથી લાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા ચિલોડા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર ચિલોડા પોલીસ મથકના પીઆઇ એસ. જે. ચૌહાણની ટીમ રાત્રે ચંદ્રાલા ગામની સીમમાં આગમન હોટલ પાસે હિંમતનગર તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહી હતી. ત્યારે હિંમતનગર તરફથી આવતી દિલ્હી – અમદાવાદ રૂટની રવીના ટ્રાવેલ્સની બસને રોકવામાં આવી હતી. બાદમાં બસના ડ્રાઈવર કંડકટરને સાથે રાખી એક પછી એક મુસાફરોના સામાનનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે બસમાં સ્લીપિંગ સીટ નંબર EF પર મુસાફરી કરી રહેલા બે શખસો પોલીસને જોઈને ગભરાઈ ગયા હતા. જેના પગલે તેમની પાસે રહેલા ગ્રે અને કાળા કલરના થેલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસને કપડાંની વચ્ચે પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલી બે નંગ હાથ બનાવટની પિસ્ટલ, એક દેશી તમંચો અને 29 નંગ જીવતા કારતુસ મળી આવ્યા હતા.  પોલીસે આરોપી 28 વર્ષીય રવિન્દ્રસિંગ દેશરાજસિંગ જાટ (હાલ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, કડોદરા, સુરત; મુળ રહે. ધોલપુર, રાજસ્થાન) અને 19 વર્ષીય યુવરાજસિંગ સોવરનસિંગ જાટ (રહે. ધોલપુર, રાજસ્થાન) હથિયારોના જથ્થા સાથે ધરપકડ કરી છે. બન્ને આરોપી પાસેથી  પિસ્ટલ, તમંચો, મેગેઝીન, કારતુસ, 3 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 89,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ હથિયારો ગુજરાતમાં કયા હેતુ માટે લાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થવાનો હતો તે અંગે આરોપીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. આ મામલે આર્મ્સ એક્ટની ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ રેકેટમાં અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code