Homeગુજરાતીગુજરાતગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો

ગાંધીનગર, 5 નવેમ્બર, 2026 : Dearness allowance of Gujarat government employees and pensioners increased  દિવાળીના પવિત્ર તહેવારો પૂર્વે રાજ્ય સરકારના કર્મયોગીઓ અને પેન્શનરોના હિતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુભાઈ વાઘાણીએ મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મોંઘવારી ભથ્થામાં આ વધારાનો લાભ તા. ૧ જુલાઈ, ૨૦૨૬થી અમલી બનશે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના, પંચાયત સેવાના તથા અન્ય સંસ્થાઓના કુલ ૪.૬૨ લાખ કર્મયોગીઓ અને અંદાજે ૫.૦૭ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ મળીને કુલ ૯.૬૯ લાખથી વધુ પરિવારોને આ નિર્ણયનો સીધો આર્થિક ફાયદો થશે.

તહેવારોની ઉજવણી વધુ આનંદદાયક બને તે માટે જુલાઈ-૨૦૨૬ થી ઓક્ટોબર-૨૦૨૬ સુધીના ૪ માસની તફાવતની રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે. આ એરિયર્સની રકમ નવેમ્બર-૨૦૨૬ ના પગાર સાથે કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં જમા કરી દેવાશે.

પ્રવક્તા મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કર્મચારીઓને ૪ માસના એરિયર્સ પેટે રાજ્ય સરકાર કુલ મળીને રૂ. ૫૨૩ કરોડની ચૂકવણી કરશે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થામાં વધારાના કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક રૂ. ૧૫૬૯ કરોડનું વધારાનું નાણાકીય ભારણ રહેશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગુડ ગવર્નન્સ અને સુશાસનમાં રાત-દિન સમર્પિત ભાવથી સેવા આપતા કર્મયોગીઓની સુખાકારી અને તેમના તહેવારોનો આનંદ બેવડાય તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની સરકાર કટિબદ્ધ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular