Homeગુજરાતીગુજરાતગાંધીનગરમાં લોકભવન ખાતે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઊજવણી

ગાંધીનગરમાં લોકભવન ખાતે વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની ભવ્ય ઊજવણી

ગાંધીનગર, 5 નવેમ્બર, 2026 : Grand celebrations of the foundation days of various states at Lok Bhavan લોકભવન ખાતે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ, તમિલનાડુ, આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ, ચંદીગઢ, દિલ્હી, લક્ષદ્વીપ-પુડુચેરી, ઉત્તરાખંડ તથા ઝારખંડ રાજ્યના સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યપાલએ ઉપસ્થિત સૌ નાગરિકોને વિવિધ રાજ્યોના સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા વૈવિધ્યસભર દેશમાં ભાષા, પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિમાં ભિન્નતા હોવા છતાં, હૃદય અને લાગણીઓની એકતા એ જ આપણી સૌથી મોટી શક્તિ છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના મુજબ ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ના ભાવ સાથે સમગ્ર દેશમાં વિભિન્ન રાજ્યોના સ્થાપના દિવસો ઉજવવાની નવી પરંપરા શરૂ થઈ છે, જેનાથી રાષ્ટ્રીય એકતા અને ભાઈચારો વધુ મજબૂત બન્યા છે.

રાજ્યપાલએ દેશની આર્થિક પ્રગતિ અને સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, શાંતિ અને પરસ્પર સૌહાર્દના વાતાવરણમાં જ દેશ પ્રગતિના પંથે આગળ વધી શકે છે. આજે સમગ્ર વિશ્વમાં ભારત પોતાની મજબૂત અર્થવ્યવસ્થા અને ઝડપી વિકાસ દર સાથે અગ્રેસર છે. તેમણે ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના નાગરિકોને આહ્વાન કર્યું હતું કે તેઓ ગુજરાતને પોતાનું ઘર માનીને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપે. આ સાથે તેમણે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા, સ્થાનિક ઉત્પાદકો તથા કારીગરોને પ્રોત્સાહિત કરવા અને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવા સહભાગી બનાવ અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે તમિલનાડુ, મધ્યપ્રદેશ અને પંજાબના રાજ્યપાલોના વિડીયો સંદેશ નિહાળવામાં આવ્યા હતા. વિભિન્ન રાજ્યોના સંગઠનોના પ્રતિનિધિઓએ રાજ્યપાલ તથા લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ રાજ્યોની સમૃદ્ધ સાંસ્કૃતિક ઝાંખી કરાવતી અને ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મૂર્તિમંત કરતી કૃતિઓ તથા નૃત્યોની મનમોહક પ્રસ્તુતિ નાના બાળકો અને કલાકારો દ્વારા કરવામાં આવી હતી.

આ સમારોહમાં પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગના અધિક મુખ્ય સચિવ  સી.વી. સોમ, ડીજીપી  જી.એસ. મલિક, લોકભવનના અગ્ર સચિવ  મેહુલ કે. દવે, વલસાડના કલેક્ટર  નીતિન સાંગવાન, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, વરિષ્ઠ વહીવટી તથા સુરક્ષાદળોના અધિકારીઓ તેમજ ગુજરાતને પોતાનું ઘર બનાવીને રહેતા વિવિધ રાજ્યોના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular