વાપી, 26 મે, 2026 : Factory manufacturing MD drugs caught in scrap godown વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમે બાતમીને આધારે વાપીમાં સ્કેપના ગાડાઉનમાં રેડ પાડતા એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ અને ડ્રગ્સના મોટા જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર ઓપરેશનમાં અંદાજે ₹1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસના સૂત્રોના કહેવા મુજબ, વલસાડ જિલ્લાના વાપીના એક વિસ્તારમાં આવેલા ભંગારના (સ્ક્રેપ) ગોડાઉનની આડમાં એમડી ડ્રગ્સ બનાવવાનો કારોબાર ચાલી રહ્યો હતો. આરોપીઓ બહારથી કેમિકલ અને લિક્વિડ લાવીને આ ગોડાઉનમાં પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ આ લિક્વિડને સૂકવીને હાઈ-ક્વોલિટી મેફેડ્રોન પાવડર તૈયાર કરવામાં આવતો હતો. આસપાસના લોકોને કોઈ શંકા ન જાય તે માટે ભંગારના ગોડાઉનનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
ગુજરાત ATS અને વલસાડ જિલ્લા SOGની ટીમે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી જ 2 મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પૈકી એક આરોપી વાપીનો સ્થાનિક રહેવાસી છે, જ્યારે બીજો આરોપી પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો છે. પોલીસે ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં પ્રોસેસ થઈ રહેલું કેમિકલ, રો-મટીરિયલ, ડ્રગ્સ બનાવના સાધનો અને તૈયાર થયેલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
એમડી ડ્રગ્સની ફેક્ટરી ક્યારથી કાર્યરત હતી? ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરિયલ ક્યાંથી સપ્લાય થતું હતું? અને તૈયાર થયેલો ડ્રગ્સનો આ જથ્થો ગુજરાત કે અન્ય રાજ્યોમાં કઈ જગ્યાએ સપ્લાય કરવાનો હતો? તે તમામ દિશામાં વલસાડ પોલીસ અને ATS દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ ડ્રગ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.


