ગાંધીનગર, 10 માર્ચ 2026: Provision of Rs. 2006 crore to make Gujarat a ‘sports hub’ ગુજરાત વિધાનસભા ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની બજેટ માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના યુવાનોના સર્વાંગી વિકાસ અને રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને રેખાંકિત કર્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતને ‘સ્પોર્ટ્સ હબ’ બનાવવાના સંકલ્પ સાથે રમતગમત વિભાગ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ‘ડબલ એન્જિન’ સરકારે આ વર્ષે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે રૂ. ૨૦૦૬ કરોડની જોગવાઈ કરી છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ અનેકગણી છે.
મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે આ બજેટમાં માત્ર રમતગમત ક્ષેત્ર માટે રૂ. ૧,૩૩૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૈશ્વિક ફલક પર ગુજરાતને રમતગમત ક્ષેત્રે અગ્રેસર કરવા માટે અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ ૩૩૫ એકરમાં ફેલાયેલું ‘SVP સ્પોર્ટ્સ એન્ક્લેવ’ આ મિશનનું કેન્દ્રબિંદુ બનશે. આ એન્ક્લેવમાં ૧૨,૦૦૦ની ક્ષમતા ધરાવતું ઓલિમ્પિક સ્ટાન્ડર્ડ એક્વેટિક સેન્ટર, ૨૪,૦૦૦ની ક્ષમતાનું ટેનિસ સેન્ટર અને ૧૮,૦૦૦ની બેઠક ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ઇન્ડોર એરેના તૈયાર કરવામાં આવશે.
રાજ્યના અન્ય મહત્વના સ્પોર્ટ્સ પ્રોજેક્ટ્સની વિગતો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, કરાઈ ખાતેની ગુજરાત પોલીસ એકેડેમીમાં ૧૪૩ એકર વિસ્તારમાં ૫૦,૦૦૦ની ક્ષમતાવાળું નવું એથ્લેટિક્સ સ્ટેડિયમ અને આધુનિક શૂટિંગ રેન્જનું નિર્માણ થઈ રહ્યું છે. ખેલાડીઓની સુવિધા માટે અમદાવાદના ભાટ ખાતે ૧૩૫ એકરમાં ૧૭,૫૦૦ ખેલાડીઓ રહી શકે તેવું આધુનિક ‘ઓલિમ્પિક ગેમ્સ વિલેજ’ બનાવવામાં આવશે.
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું છે કે આ માત્ર ઇમારતોનું નિર્માણ નથી, પરંતુ ભવિષ્યની મોટી રમતગમતની સ્પર્ધાઓ બાદ આ તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ‘હાઈ-પરફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર’ તરીકે વિકસાવવામાં આવશે. આ સુવિધાઓ ગુજરાતના યુવાનો માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ દેખાવ કરી શકે.
રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપતા મંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. ૧૬૫ કરોડ અને કરાઈ ખાતે ઓલિમ્પિક કક્ષાની સુવિધાઓ માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં હોકીની રમતને વધુ વેગ આપવા માટે રૂ.૯૦ કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું હોકી સ્ટેડિયમ બનાવવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.


