અમદાવાદ, 3 સપ્ટેમ્બર, 2026 : Couple caught with 1928 grams of ganja at Ahmedabad International Airport શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધતા જાય છે. તા. 1લી સપ્ટેમ્બરના રોજ 6 કરોડની કિંમતના 6 કિલો હાઇબ્રીડ ગાંજાના જથ્થાં સાથે વિદેશી યુવતી ઝડપાઇ હતી. ત્યારબાદ તા. 2જી સપ્ટેમ્બરના રોજ વડોદરાનું એક દંપતી 1928 ગ્રામ ગાંજાના જથ્થાં સાથે ઝડપાયું છે. આ ગાંજાના જથ્થાં સાથે દંપતિની ધરપકડ કરીને આ ગાંજાનો જથ્થો કોના માટે અને કોની પાસેથી લાવ્યા હતા વગેરે બાબતે કસ્ટમ્સ વિભાગે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)એ ડ્રગ્સની હેરાફેરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. બેંગકોકથી અમદાવાદ આવેલા વડોદરાના પતિ-પત્ની પાસેથી 1.928 કિલોગ્રામ હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) જપ્ત કરવામાં આવ્યો છે. કસ્ટમ્સે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
કસ્ટમ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તા. 2 સપ્ટેમ્બર 2026ના રોજ ફ્લાઇટ નંબર TG-343 મારફતે બેંગકોકથી અમદાવાદ આવેલા એક મહિલા અને એક પુરુષ પ્રવાસી પર કસ્ટમ્સના અધિકારીઓને શંકા જતાં તેમની પ્રોફાઇલિંગ અને એક્સ-રે સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંનેના સામાનની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓએ બંને ટ્રોલી બેગમાં ખાસ પ્રકારના ગુપ્ત ખાના (ફેક લેયર) બનાવવામાં આવ્યા હોવાનું શોધી કાઢ્યું હતું. આ ગુપ્ત ખાના ખોલતા દરેક ટ્રોલી બેગમાંથી પાંચ-પાંચ વેક્યુમ પેક કરાયેલા પારદર્શક પેકેટ મળી આવ્યા હતા. કુલ 10 પેકેટમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસ અને ટેસ્ટિંગ દરમિયાન આ પદાર્થ હાઈડ્રોપોનિક મેરિજુઆના (ગાંજો) હોવાનું સામે આવ્યું હતું. જપ્ત કરાયેલા ગાંજાનું કુલ વજન 1,928 ગ્રામ નોંધાયું છે. કસ્ટમ્સ વિભાગે NDPS Act, 1985 હેઠળ આ પ્રતિબંધિત માદક પદાર્થ જપ્ત કરી બંને મુસાફરોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા પતિ-પત્ની વડોદરાના રહેવાસી હોવાનું અને બંનેની ઉંમર આશરે 50 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.


