વડોદરા, 14 એપ્રલ 2026: One killed in bike-car accident અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો હતો. વડોદરા નજીક નેશનલ હાઈવે પર સુંદરપુરા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળ પર મોત થયું છે. જ્યારે બાઈક પર સવાર એક મહિલા અને માથું છુંદાઈ જવાને કારણે બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં એમ્બ્યુલન્સ પણ મોડી પહોંચતા લોકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોએ હાઇવે ચક્કાજામ કરતા કપુરાઇ પોલીસ ઘટના પર દોડી આવી હતી. લોકોમા ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક સુંદરપુરા પાસે આજે સવારે અંબા ચોકડીથી આગળ GEB કટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક કાર રોંગ સાઈડમાં આવી રહી હતી અને કટ ક્રોસ કરીને સામેની તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી. તે જ સમયે બાઇક કાર સાથે અથડાતા બાઈક સવાર પતિ-પત્ની અને બાળક કોડ પર પટકાયા હતા.જેમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પત્ની અને બાળકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ બનાવને પગલે સ્થાનિક લોતો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ મોડી આવતા લોકોએ રોષે ભરાઈને હાઈવેને ચક્કાજામ કર્યો હતો. આ બનાવની જાણ થતા કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
સ્થાનિક રમેશ પંચાલે જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માત થયો તેના લગભગ 10થી 15 મિનિટમાં અમે ત્યાં પહોંચી ગયા હતા. જે ભાઈ મરી ગયા હતા. તેઓ અંદર તરફડી રહ્યા હતા, તેમના શ્વાસ ચાલુ હતા. પહેલી એમ્બ્યુલન્સ આવી એટલે એમાં ઈજાગ્રસ્તના પત્ની અને તેમના એક છોકરાને લઈને રવાના કરવામાં આવ્યા. તે ભાઈને લઈ જઈ શકાય એવી સ્થિતિ નહોતી કારણ કે એમ્બ્યુલન્સમાં સુવડાવવા માટે એક જ વ્યક્તિની જગ્યા હતી. બીજી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં તો તે ભાઈનું કરુણ મોત નીપજ્યું હતું. મેં તેમને નજરે જોયા હતા, અંતે તેમનું મોત થયું.
ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે. મૃતકની ઓળખ અને તેઓ ક્યાં જઈ રહ્યા હતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.


