1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં અસહ્ય ગરમી સામે એએમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન
અમદાવાદમાં અસહ્ય ગરમી સામે એએમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદમાં અસહ્ય ગરમી સામે એએમસીએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

0
Social Share

અમદાવાદ, 14 એપ્રલ 2026:  શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચી ગયો છે. અને આગામી સપ્તાહમાં એટલે કે તા. 14થી 20 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન (AMC) હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જોકે બીજી બાજુ સ્થિતિ એવી છે કે, શહેરમાં અસહ્ય ગરમીમાં પણ મોટાભાગના ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે ચાલુ જ હોય છે. અને ચાર રસ્તાઓ પર મંડપ બાંધીને છાંયડો કરાયો નથી. તેના કારણે અસહ્ય ગરમીમાં પણ ટ્રાફિક સિગ્નલ બંધ હોય ત્યારે વાહનચાલકો પરશેવે રેબઝેબ થઈ જાય છે.

અમદાવાદ શહેરમાં આગામી સપ્તાહમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. જેમાં આગામી સાત દિવસ તાપમાનમાં સતત વધારો થશે. ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં શહેરના લાંભા, ચાંદખેડા, નરોડા અને રામોલ નજીક આવેલા વાંચ ગામમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે તે વિસ્તારના મહત્તમ તાપમાનના આધારે ‘હોટસ્પોટ’ નક્કી કરવામાં આવ્યા છે, જેની માહિતી નાગરિકો વેબસાઇટ લિંક અને QR કોડ મારફતે મેળવી શકશે. આ ડેટા દર ત્રણ દિવસે અપડેટ કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં તાપમાનમાં વધારો થવાની આગાહીને પગલે AMC દ્વારા હીટ એક્શન પ્લાન અમલી બનાવાયો છે. હોટસ્પોટ વિસ્તારોની શાળાઓ, આંગણવાડીઓ, કન્સ્ટ્રક્શન સાઇટ્સ, ઉદ્યોગો અને કડિયાનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શહેરમાં 1300થી વધુ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે, જેમાંથી 200 જેટલી પરબ વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં છે. તમામ હેલ્થ સેન્ટરો અને હોસ્પિટલોમાં પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત AMC સંચાલિત હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં હીટ-સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને ગરમીથી બચાવવા મોટાભાગની મ્યુનિસિપલ શાળાઓ સવારની પાળીમાં કરી દેવામાં આવી છે. દર દોઢ કલાકે ‘વોટર બેલ’ દ્વારા બાળકોને પાણી પીવા પ્રોત્સાહિત કરાશે. શહેરમાં 2074 જેટલી આંગણવાડીઓ, દરેક કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર ORS અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 66 જેટલા કડિયાનાકા તથા 65 જેટલા શ્રમિકનાકા પર ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. 19000થી વધારે ફિલ્ડ ડ્યુટી કરતા આરોગ્ય વિભાગ, ઈજનેર વિભાગ તથા સફાઈ કર્મચારીઓને ગરમીથી બચાવવા માટે સફેદ કેપ આપવામાં આવી છે.

 શહેરના 300થી વધારે બગીચાઓ સવારે 6થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવે છે અને દરેક બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. શહેરમાં 34 જેટલા શેલ્ટર હોમ ખાતે ORS તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ AMTS દ્વારા શહેરના અલગ-અલગ બસ ડેપો તથા ટર્મિનલ પર જનતા માટે 25 એર કુલર અને 10 વોટર કુલર મુકવામાં આવ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code