Homeગુજરાતીઓપરેશન સાગર બંધુ: ભારતે વધુ 12 ટન રાહત સામગ્રી શ્રીલંકા મોકલી

ઓપરેશન સાગર બંધુ: ભારતે વધુ 12 ટન રાહત સામગ્રી શ્રીલંકા મોકલી

નવી દિલ્હી: શ્રીલંકામાં દિત્વાહ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધી 69 લોકોના મોત થયા છે જ્યારે 34 લોકો હજુ પણ લાપતા છે. આ કઠિન સમયમાં ભારતે ‘ઓપરેશન સાગર બંધુ’ હેઠળ શ્રીલંકાને મોટી માનવીય મદદ મોકલી છે. શનિવારે ભારતીય વાયુસેનાનું C-130J વિમાન આશરે 12 ટન રાહત સામગ્રી સાથે કોલંબોમાં ઉતર્યું હતું. મોકલવામાં આવેલી સામગ્રીમાં ટેન્ટ, ત્રિપાલ, કાંબળા, હાયજિન કિટ અને રેડી-ટુ-ઇટ ફૂડ પેક્સનો સમાવેશ થાય છે.

વિદેશ પ્રધાન એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “ઓપરેશન સાગર બંધુ શરૂ થઈ ગયું છે. ભારતીય વાયુસેનાનું C-130J વિમાન લગભગ 12 ટન માનવીય સહાય લઈને કોલંબો પહોંચ્યું છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આ સહાય વાવાઝોડાથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પૂરી પાડશે.

આ પહેલાં શુક્રવારે પણ ભારતે ઓપરેશન સાગર બંધુ અંતર્ગત શ્રીલંકા માટે પ્રથમ તબક્કાની મદદ મોકલી હતી. શ્રીલંકામાં સ્થિત ભારતીય ઉચ્ચાયુક્તાલયે X પર પોસ્ટ કરી હતી કે, “ઓપરેશન સાગર બંધુ સતત ચાલુ છે અને દિત્વાહ વાવાઝોડા બાદ ભારતમાં તરફથી તાત્કાલિક માનવીય સહાય તથા આપત્તિ રાહત (HADR) પૂરી પાડવામાં આવી રહી છે.”

ભારતીય નૌકાદળે પણ INS વિકરાંત અને INS ઉદયગિરી મારફતે 4.5 ટન સુકા રાશન, 2 ટન તાજા રાશન અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડીને સહાય પૂરી પાડી છે. ઉચ્ચાયુક્તાલયે જણાવ્યું કે “આ મુશ્કેલ સમયમાં ભારત શ્રીલંકાના લોકોને મજબૂતીથી સહારો આપી રહ્યું છે અને તેની ‘નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા ફરી સાબિત કરી રહ્યું છે.”

પીએમ નરેન્દ્ર મોદીએ પણ X પર શ્રીલંકા પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં લખ્યું હતું: “દિત્વાહ વાવાઝોડાના કારણે પોતાના પ્રિયજનો ગુમાવનાર શ્રીલંકા નાગરિકો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના છે. ઘાયલ લોકો ઝડપથી સાજા થાય અને અસરગ્રસ્ત પરિવારોને સંબળ મળે તેવી પ્રાર્થના કરું છું.”

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત તેના સૌથી નજીકના સમુદ્રી પડોશી સાથે ખભે-ખભા મળી ઉભું છે અને પરિસ્થિતિ પ્રમાણે વધુ સહાય આપવા માટે હંમેશાં તૈયાર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતની ‘નેબરહૂડ ફર્સ્ટ’ નીતિ અને ‘વિઝન સાગર’ હેઠળ શ્રીલંકાને દરેક મુશ્કેલીમાં મદદ કરવાનો સંકલ્પ અડગ છે.

 

 

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img