Homeગુજરાતીપાકિસ્તાનઃ સિંઘુ જળ મામલે બિલાવલ ભુટ્ટોએ પરમાણુ હુમલાની આપી ધમકી

પાકિસ્તાનઃ સિંઘુ જળ મામલે બિલાવલ ભુટ્ટોએ પરમાણુ હુમલાની આપી ધમકી

પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણય પર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. તેઓ હાલ અમેરિકામાં છે અને તેમણે વોશિંગ્ટનમાં મિડલ ઇસ્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરીને, ભારત પાકિસ્તાનના જળ સંસાધનોને વિક્ષેપિત કરી રહ્યું છે અને પાણી પર પ્રથમ પરમાણુ યુદ્ધનો પાયો નાખવામાં આવી રહ્યો છે.

અહેવાલ મુજબ, બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જણાવ્યું હતું કે, ‘અમે જાહેર કર્યું છે કે અમારો પાણી પુરવઠો બંધ કરવો એ યુદ્ધનું કૃત્ય હશે.’ તેમણે ધમકીભર્યા સ્વરમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે આ રાષ્ટ્રવાદ તરીકે નથી કહી રહ્યા. અમે આ વાતો મજા માટે નથી કહી રહ્યા, આ અમારા માટે અસ્તિત્વનું સંકટ છે. પૃથ્વી પરનો કોઈપણ દેશ, ભલે તેનું કદ, તેની તાકાત કે ક્ષમતા ગમે તે હોય, તેના અસ્તિત્વ અને તેના પાણી માટે લડશે.’ તેમણે અમેરિકાને ભારતને સંધિ વિશે વાત કરવા માટે ટેબલ પર લાવવા વિનંતી કરી છે.

બિલાવલે એમ પણ કહ્યું કે ભારતે સિંધુ જળ સંધિનું પાલન કરવું જોઈએ અને અમેરિકા અને અન્ય દેશોને આ સંધિનું ઉલ્લંઘન કરતા અટકાવવા માટે કડક વલણ અપનાવવું જોઈએ. ત્યારબાદ તેમણે કહ્યું કે જો શાંતિ તરફની આપણી વાતચીત અને રાજદ્વારી સફળ થવી હોય, જો પાકિસ્તાને ભારત સાથે સકારાત્મક રીતે વાત કરવી હોય, નવા સોદા કરવા હોય, નવી સંધિઓ કરવી હોય, તો પહેલા જૂની સંધિઓનું પાલન કરવું પડશે અને ભારતે સિંધુ જળ સંધિ અંગેનો પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડશે.

બિલાવલ ભુટ્ટોએ કહ્યું, ’22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, બંને દેશો વચ્ચે તણાવ વધ્યો અને ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી અને બદલામાં પાકિસ્તાને નિર્ણય લીધો કે તે ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાનો પોતાનો અધિકાર વાપરશે, જેમાં શિમલા કરારનો પણ સમાવેશ થાય છે. આ કારણે, અટારી-વાઘા સરહદ બંધ કરવાની અને ભારત સાથેના તમામ વેપાર સ્થગિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી.’

1960માં, વિશ્વ બેંકની મધ્યસ્થીથી સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જેમાં ભારતને પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) નું પાણી મળ્યું હતું અને પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) નું પાણી મળ્યું હતું, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક પગલાં લીધાં, જેમાં આ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular