રાજપીપળા, 22 સપ્ટેમ્બર 2026 : President Draupadi Murmu received a warm welcome ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું સોમવારે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આગમન થયું હતું. રાષ્ટ્રપતિના એકતાનગર આગમન પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાત સરકારના પ્રોટોકોલ મંત્રી પ્રફુલ પાનશેરિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, SSNNL ના MD મુકેશ પુરી, જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ તા. 22 સપ્ટેમ્બર, 2026ના રોજ એકતાનગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિવિધ કેટેગરીમાં વિજેતા બનેલા ફિલ્મકારો અને કલાકારોને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.
એકતાનગર ખાતે પ્રથમવાર યોજાનારા આ રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ સમારોહના સાક્ષી બનવા માટે દેશના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો તથા આમંત્રિત મહેમાનોનું આગમન થઈ રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલના સાનિધ્યમાં એકતા નગર ખાતે આયોજિત 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ભાગ લેવા પધારેલા પ્રસિદ્ધ ફિલ્મ કલાકાર કાર્તિક આર્યને નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. અને જણાવ્યું હતું કે, “મારી ફિલ્મને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે, જે મારા માટે ગર્વની વાત છે.”


