પંજાબઃ સરહદ ઉપર BSFએ પેટ્રોલીંગ વધાર્યું, એક વર્ષમાં 255 પાકિસ્તાની ડ્રોનને પાડ્યા
લુધિયાણાઃ ભારતીય સેના અને સરહદ સુરક્ષા દળ (BSF) સતત પાકિસ્તાનની નાપાક હરકતોને નિષ્ફળ બનાવી રહ્યું છે. આ વર્ષે માત્ર પંજાબ સરહદ પર જ BSFએ હેરોઇન અને હથિયારોની તસ્કરી માટે પાકિસ્તાન તરફથી મોકલાયેલા કુલ 255 ડ્રોનને તોડી પાડ્યાં છે. BSF (પંજાબ ફ્રન્ટિયર)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઠંડી અને ધુમ્મસને કારણે વધતી તસ્કરીને ધ્યાનમાં રાખીને સરહદ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સુરક્ષા દળનો પ્રયત્ન છે કે ભારતની સરહદ જમીનથી આકાશ સુધી સુરક્ષિત રહે.
BSFના મહાનિરિક્ષક અતુલ ફુલઝેલેએ અમૃતસર ખાતે જણાવ્યું કે, ઠંડી અને ધુમ્મસના કારણે દૃશ્યતા ઓછી રહે છે, જેના કારણે તસ્કરો ડ્રોનની મદદથી તસ્કરી કરવાનો પ્રયાસ કરી શકે છે. આ સમસ્યાને પહોંચી વળવા વિશેષ મોનિટરિંગ સાધનો, નદી વિસ્તારોમાં વધારાની પેટ્રોલિંગ અને સર્વેલન્સ સિસ્ટમ મજબૂત બનાવવામાં આવી છે, જેથી ધમ્મસના સમયમાં પણ તસ્કરીની કોઈ પણ હરકત તરત પકડાય.
ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ સરહદ પાર આવેલા અનેક આતંકી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ કાર્યવાહી દરમિયાન લગભગ 100 આતંકીઓ ઠાર મરાયા હતા. આ ઓપરેશન બાદ સરહદ પાસેની ઘુસણખોરીની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જો કે, પાકિસ્તાની આતંકી તસ્કરો ડ્રોન દ્વારા હેરોઇન, હથિયાર અને અન્ય સામગ્રી મોકલવાનો પ્રયાસ કરતા રહે છે, જેમાંથી અનેક ડ્રોન BSF દ્વારા તોડી દેવામાં આવ્યા છે અને અનેક તસ્કર નેટવર્ક્સને પણ પકડી લેવામાં આવ્યું છે.


