અમદાવાદ, 10 સપ્ટેમ્બર, 2026 : Rain fell in 20 talukas of Saurashtra-Kutch રાજ્યમાં બુધવારે સૌરાષ્ટ્ર કચ્છના અછતગ્રસ્ત એવા 20 તાલુકામાં વરસાદના ઝાપટાં પડતા લોકોને થોડી રાહત થઈ છે. જેમાં જામનગરના ધ્રોળમાં બે ઈંચથી વધુ વરસાદ, તેમજ ભાવનગરના મહુવા, કચ્છના અબડાસા, તેમજ જેસર, જાફરાબાદ, લખપત, પડધરી, ઉપલેટા, તલાળા, થાનગઢ સહિત તાલુકાઓમાં ઝાપટાંથી લઈને એક વરસાદ પડ્યો હતો. દરમિયાન રાજ્યના હવામાન વિભાગે તા.12મી સપ્ટેમ્બરને શનિવારથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આમ ભાદરવો ભરપૂર બને એવી શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાના લાંબા વિરામ બાદ બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છના 20 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ધ્રોલના ઇટારા અને હમાપર જેવા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ઈટારા ગામમાં શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે અમરેલીના સાવરકુંડલા અને જાફરાબાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્યમાં વરસાદ શરૂ થયો હતો. ગાંધી બાગ, સ્ટેશન રોડ, કોલેજ રોડ, સ્વામિનારાયણ મંદિર, કુંભારવાડા સહિતના સીટી વિસ્તારમાં મેઘમહેર થઈ છે. વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ઊભા મોલને લઈને ચિંતા વ્યાપી ગઈ હતી. જો કે, આજે વરસાદથી સૂકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું છે અને ધરતીપુત્રોના ચહેરા પર ખુશીનો માહોલ છવાયો છે. હજુ પણ સારા વરસાદની રાહમાં ખેડૂતો છે.
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને બાંગ્લાદેશ પાસે સર્જાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 10મી તારીખે લો પ્રેશર બનવાની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને એક મોન્સૂન ટ્રફ છે. જેના કારણે 12થી 14 સપ્ટેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.


