ગાંધીનગર, 10 સપ્ટેમ્બર, 2026 : Tree plantation વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણના રક્ષણ અને ધરતી માતાના સંવર્ધન માટે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાન સફળતાપૂર્વક ત્રીજા ચરણમાં પ્રવેશ્યું છે. વૈશ્વિક મહત્વ ધરાવતી આ ઝુંબેશને વધુ વેગ આપવા અને ગુજરાતનું ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે એક વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા, મંત્રીમંડળના સભ્યો સહિત રાજ્યના તમામ ૧૮૨ ધારાસભ્યો એકસાથે ઉપસ્થિત રહીને પ્રકૃતિ રક્ષાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ‘એક પેડ મા કે નામ’ ૩.૦ આહ્વાન હેઠળ દેશભરમાં આ ઝુંબેશને જન આંદોલન તરીકે વ્યાપક પ્રોત્સાહન મળી રહ્યું છે. આ જ પર્યાવરણીય જાગૃતિનો સંદેશ રાજ્યના તમામ નાગરિકો સુધી પહોંચાડવાના હેતુથી, રાજ્યના તમામ મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યોએ સ્વયં આગળ આવીને વિધાનસભા સંકુલ ખાતે વૃક્ષારોપણ કર્યું છે.
અધ્યક્ષએ આ વાવેલાં વૃક્ષો ભવિષ્યમાં પણ વિધાનસભા પરિસરમાં એક ચિરંજીવ સ્મૃતિ રૂપે જળવાઈ રહેશે તેમજ પશુ-પક્ષીઓને આશ્રય અને છાયડો પૂરો પાડશે તેવી શ્રદ્ધા વિશ્વાસપૂર્વક વ્યક્ત કરી હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,વૃક્ષો પર્યાવરણને ઓક્સિજન, શુદ્ધ હવા અને વરસાદ લાવવામાં અત્યંત મદદરૂપ બને છે, તેમજ આવનારી તમામ પેઢીઓ ઝેન, આલ્ફા, બીટા કે ગામા તમામને જીવન ટકાવી રાખવા માટે પ્રાણવાયુની અનિવાર્ય જરૂરિયાત રહેવાની છે. આથી, તેમણે રાજ્યના પ્રજાજનોને પણ ‘એક પેડ મા કે નામ’ ૩.૦ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને પર્યાવરણ જતનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ કદમ આગળ વધારવા માટે આહ્વાન કર્યું હતું.
દરેક ધારાસભ્યશ્રીના નામ સાથે વિવિધ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.જેમાં પીપળો, બોળી, કુસુમ, કદમ,અર્જુન સાદડ, આમલી, સીસું, જાંબુ, શીમળો, દેશી બદામ, બોરસલી, કચનાર, કાયજેલીયા જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે.


