રાજકોટ, 2 ફેબ્રુઆરી 2026: કેન્દ્રિય બજેટ ગઈકાલે 1લી ફેબ્રુઆરીએ જાહેર થયા બાદ ગુજરાતના અમદાવાદ સહિત મહાનગરોના બજેટ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જોકે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા લાદવાની શક્યતા ઓછી છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દ્વારા 2026-27ના ડ્રાફ્ટ બજેટ લદભગ તૈયાર કરી દેવામાં આવ્યુ છે. જે ગણતરીના દિવસમાં જાહેર કરવામાં આવશે. જો કે દર વર્ષની જેમ આ વખતે પણ મ્યુનિ.કમિશનર દ્વારા આકરા કરવેરા ઝીંકવામાં આવશે. અને ત્યારબાદ ક્રેડિટ લેવા માટે શાસક પક્ષ દ્વારા મ્યુનિ.કમિશનરે સુચવેલા કરવેરાને ફગાવી દેવામાં આવશે.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી નાણાંકીય વર્ષ 2026-27 માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ગણતરીના દિવસોમાં મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે. આ વર્ષનું બજેટ કદ અંદાજે રૂ. 3300 કરોડ આસપાસ રહેવાનું અનુમાન છે, જે ગત વર્ષના રૂ. 3117 કરોડના ડ્રાફ્ટ બજેટ કરતા આશરે રૂ. 200 કરોડ વધુ હશે. કહેવાય છે કે, ડ્રાફ્ટ બજેટમાં મુખ્યત્વે જૂની તેમજ ખોરંભે પડેલી યોજનાઓને પૂર્ણ કરવા માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાશે.
દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા આવક વધારવાના સ્ત્રોત તરીકે શહેરના મકાન, વાહન, પાણી અને ગાર્બેજ કલેક્શન (કચરો એકઠો કરવા) જેવી પાયાની સેવાઓ ઉપર જ આકરો કરબોજ ઝીંકવાની દરખાસ્ત મૂકવામાં આવે તેવી શક્યતા છે. જોકે, આગામી સમયમાં ચૂંટણીઓ આવતી હોવાથી લોકોની નારાજગી વહોરવા શાસક પક્ષ તૈયાર નથી. આથી, મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સૂચવવામાં આવેલો વેરાવધારો સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા દરમિયાન ફગાવી દેવામાં આવશે તે લગભગ નિશ્ચિત છે. શાસકો તકનો ઉપયોગ કરી બજેટમાં લોકપ્રિય યોજનાઓ ઉમેરીને જનતાને આકર્ષવાનો પ્રયાસ કરશે.


