અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Robbers attacked a gas agency employee જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ગેસ એજન્સીના કર્મચારી પર બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર શખસોએ હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવતા 4 લૂંટારૂ શખસો કર્મચારીના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ઝૂંટવીને પલાયન થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત ગેસ એજન્સીના કર્મચારીને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિવેકાનંદ નગર પોલીસ દ્વારા હાલમાં એલજી હોસ્પિટલમાં કર્મચારી પાસેથી ફરિયાદ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીકના ગેસ એજન્સીનું ગોડાઉન આવેલું છે. ગેસ એજન્સીનો કર્મચારી આજે સવારે એજન્સીમાંથી પૈસા લઈને કાચા અવાવરું રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાનમાં એજન્સીથી થોડા આગળ રોડ ઉપર પહોંચતા બાઈક અને એક્ટિવા ઉપર આવેલા 4 લૂંટારૂ શખસોએ તેને ઘેરી લીધો હતો અને તેની સાથે ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં હુમલો કરી પૈસાનો થેલો લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એજન્સીના કર્મચારીએ પ્રતિકાર કર્યો હતો અને હાથમાં થેલો પકડી રાખ્યો હતો. ત્યારે લૂંટારૂઓના હુમલામાં કર્મચારી લોહીલુહાણ થઈ ગયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી પકડાઈ જવાના ડરે ચારેય શખસો સોનાનો દોરો ખેંચી અને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
લૂંટારૂ શખસોના હુમલામાં ગેસ એજન્સીનો કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વિવેકાનંદ નગર પોલીસની ટીમ એલજી હોસ્પિટલ ખાતે પહોંચી હતી. હાલમાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની કાર્યવાહી અને અલગ અલગ સ્થળો પર ટીમો મોકલી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


