
શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ નજીકના ૨૪ ગામોમાં મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન
શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ પરના પ્રથમ ૨૪ ગામોમાં નર્સિંગ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો, આરોગ્ય જાગૃતિ વધારવાની અને રોગની વહેલી તકે ઓળખ માટે પ્રેરિત કરવાનો હતો.
તજજ્ઞ ડોકટરો અને સંસ્થાના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ, નર્સિંગ વિદ્યાર્થીઓએ સામાન્ય આરોગ્ય ચકાસણી, હાઈટ, વેટ,બ્લડ પ્રેશર,ડાયાબિટીસ, એસપીઓટુ , પલ્સ, બ્લડ ગ્રુપ, રેસ્પિરેશન વગેરે ચકાસણી તથા આરોગ્ય સલાહ જેવી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. તેઓએ સ્વચ્છતા, પોષણ અને રોગપ્રતિકારક કાળજી અંગે જાગૃતિ અભિયાન પણ હાથ ધર્યું. આ કેમ્પ મા ગ્રામજનો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો. સ્થાનિક આગેવાનો, તબીબી નિષ્ણાતો અને સ્વયંસેવકો દ્વારા પણ સંપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો.
આ અવસરે સંસ્થાના ચેરમેન શ્રી સરતાનભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, “અમારા નર્સિંગ વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં દર્શાવેલી સેવા ભાવના અને સમર્પણ ગર્વની વાત છે. અમે આ અભિયાન દ્વારા પ્રાયોગિક શિક્ષણ અને ગ્રામ્ય આરોગ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.” શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ ભવિષ્યમાં પણ આવા કેમ્પોનું આયોજન કરીને આરોગ્ય સેવા વધારે વિસ્તૃત કરવાની યોજનામાં છે.