સુરેન્દ્રનગર, 5 જુલાઈ, 2026 : Spurious ghee sold under the name of a well-known brand શહેરમાં શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને જાણીતી બ્રાન્ડ અમૂલના નામે નકલી અને ડુપ્લીકેટ ઘી પધરાવીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરવાનું એક આખું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે શહેરની બે મોટી દુકાનોમાં દરોડો પાડીને બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ મામલે અમૂલ કંપની (GCMMF)ના બ્રાન્ચ મેનેજરે રૂબરૂ આવીને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ મથકે ચાર ઈસમો અને પેઢી સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
અમુલના બ્રાન્ચ મેનેજર મનિષકુમાર હરિસિંહ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ એસઓજી પીઆઈ બી.એચ. શીંગરખીયા અને સ્ટાફે સુરેન્દ્રનગર શહેરના મહેતા માર્કેટમાં આવેલી પ્રિતેષભાઇ હસમુખભાઇ લાલાણીની હેત્વી સેલ્સ નામની દુકાનમાં રેઇડ કરી હતી. ત્યાંથી અમુલ પ્યોર ઘી લખેલા 15 કિલોના 6 નકલી ડબ્બા કિંમત રૂ.60,000 અને અન્ય શંકાસ્પદ જથ્થો મળી કુલ રૂ.3,11,600નો માલ પકડાયો હતો. આ ઘી ક્યાંથી લાવ્યા તેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તે ટાંકી ચોકમાં આવેલી જેસી એન્ડ કંપનીમાંથી લાવ્યા હતા. આથી ટાંકી ચોકની જેસી એન્ડ કંપનીના માલિકોની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે આ નેટવર્કના તાર અમદાવાદ સુધી જોડાયા હોવાનું બહાર આવ્યું હતું. પકડાયેલા વેપારીઓએ કબૂલાત કરી કે અમૂલ ઘીનો જથ્થો અમદાવાદની નારાયણી એન્ટરપ્રાઇઝ પાસેથી લાવ્યા હતા.
એસઓજી પોલીસે પકડેલા આ શંકાસ્પદ ઘીના બેન્ચ કોડ બાબતે અમૂલ કંપનીની હેડ ઓફીસ આણંદ ખાતે ખરાઈ કરી હતી. કંપનીના ક્વોલીટી એસ્યોરન્સ ઓફીસર શીવાની પઢીયારની તપાસમાં બહાર આવ્યું હતું કે, આ બેન્ચ કોડવાળું ઘી સાબરકાંઠા ડેરી હિંમતનગર, ભાવનગર ડેરી કે અમૂલફેડ ડેરી ગાંધીનગર દ્વારા ઉત્પાદિત કરાયું નથી. આરોપીઓએ અમૂલ બ્રાન્ડના નામનો ઉપયોગ કરીને ડુપ્લીકેટ ઘીનો જથ્થો બજારમાં અસલી તરીકે વેચવા રાખ્યો હતો.


