સુરતનો વીવિંગ ઉદ્યોગ યાર્નના ભાવમાં તોતિંગ વધારાને લીધે વ્યાપક મંદીમાં સપડાયો
સુરત, 26 મે, 2026 : Widespread recession in weaving industry આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની અસ્થિરતાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે અનેક ઉદ્યોગો મંદીનો સામનો કરી રહ્યા છે. બીજીબાજુ અસહ્ય મોંઘવારીને લીધે લોકોની ખરીદીમાં પણ ઘટાડો થયો છે. સુરતમાં ટેક્સટાઈલ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન વીવિંગ (વણાટ) ઉદ્યોગ યાર્નના ભાવમાં તોતિંગ વધારાને લીધે વ્યાપક મંદીમાં સપડાયો છે. કાપડ બનાવવા માટેના મુખ્ય ઘટક એવા યાર્નના ભાવમાં સીધો 30 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકો પણ બેરાજગાર બની રહ્યા છે.
સુરતનો વણાટ ઉદ્યોગ હાલ વ્યાપક મંદીનો સામનો કરી રહ્યો છે. યાર્નના ભાવમાં તોતિંગ વધારાને લીધે ઉત્પાદન ખર્ચમાં પણ અસામાન્ય વધારો થયો છે. બીજીબાજુ મોંઘવારીને લીધે લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે. એટલે માંગમાં ઘટાડો થતાં વીવિંગ એકમોએ ઉત્પાદનમાં મોટો ઘટાડો કર્યો છે, ઘણા એકમોએ તો સ્વૈચ્છાએ લોક ડાઉન જાહેર કરી દીધુ છે. .એસોસિયેશનના આંકડા અનુસાર, આખી ટેક્સટાઈલ ચેઈનને રૂ.3000 કરોડના જંગી નુકસાનનો અંદાજ છે.
સુરતનો વીવિંગ ઉદ્યોગ મુખ્યત્વે સિન્થેટિક અને પોલિએસ્ટર કાપડના ઉત્પાદન પર નિર્ભર છે, અને આ કાપડ બનાવવા માટે વપરાતું પોલિએસ્ટર યાર્ન સીધું પેટ્રોલિયમ પેદાશોમાંથી બનાવવામાં આવે છે. વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવો સતત આસમાને પહોંચી રહ્યા છે. ક્રૂડ ઓઈલ મોંઘું થતાં જ તેની બાય-પ્રોડક્ટ્સ અને કેમિકલ્સના ભાવ વધે છે, જેને પરિણામે યાર્નના ઉત્પાદન ખર્ચમાં જબરદસ્ત વધારો થાય છે. ફેબ્રુઆરી 28 પછીથી સતત વધી રહેલા ક્રૂડના ભાવોને કારણે યાર્ન ઉત્પાદક કંપનીઓએ ભાવમાં અસહ્ય Rs. 30 જેટલો મોટો વધારો ઝીંકી દીધો છે. વીવર્સ માટે આ મોંઘું યાર્ન ખરીદીને કાપડ બનાવવું હવે આર્થિક રીતે સક્ષમ રહ્યું નથી.
આ વૈશ્વિક કટોકટી અને સ્થાનિક મંદીના માહોલ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ શ્રમિકોની આજીવિકા પર ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ જણાવ્યું છે કે, જો યુદ્ધ ખતમ નથી થતું તો આ કારીગરોને અમે પાછા નહીં બોલાવી શકીએ કારણ કે 35 થી 45 ટકા જે મશીનો છે અત્યારે હાલ પૂરતા બંધ છે.


