ગાંધીનગર, 1 ઓક્ટોબર, 2026 : The 25th Cultural Sarvodaya Van will be inaugurated by the Chief Minister ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2004માં શરૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક વન નિર્માણની પહેલ અંતર્ગત હવે રાજ્યમાં 25મું સાંસ્કૃતિક વન બનીને તૈયાર છે. આજે 1 ઓક્ટોબર 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોરબંદરમાં ઓડદર ગામ પાસે સાંસ્કૃતિક વન – ‘સર્વોદય વન’નું લોકાર્પણ કરવામાં આવશે. મહાત્મા ગાંધીના જીવન અને સર્વોદયના વિચારોની પ્રેરણાના આધારે આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વનમાં ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વાવલંબન અને ગ્રામ સ્વરાજના વિચારોને પ્રસ્તૂત કરવામાં આવ્યા છે. સાથે અહીં મહાત્મા વન, સત્ય-અહિંસા વન, શાંતિ વન, સર્વોદય વન, ગ્રામ સ્વરાજ (ઇકો વિલેજ), આયુષ વન, મિશન લાઇફ ગાર્ડન જેવા વિવિધ વિભાગો બનાવવામાં આવ્યા છે. આ વનમાં ગાંધીજીના જીવનપ્રસંગો, સ્વાતંત્ર્ય સંગ્રામ,અને તેમના આદર્શોને શિલ્પો અને પ્રાકૃતિક માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવશે.
સર્વોદય વનમાં પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા, ઔષધીય વનસ્પતિ અને ટકાઉ જીવનશૈલી અંગે પણ જનજાગૃતિ ફેલાવવામાં આવશે. સ્થાનિક સંસ્કૃતિ, હસ્તકલા અને ગ્રામ્ય જીવનશૈલીને પ્રોત્સાહન આપતા વિવિધ આકર્ષણોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાંસ્કૃતિક વન પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે જ્ઞાન, પ્રેરણા અને મનોરંજનનું કેન્દ્ર બનશે. ઓડદરનું આ વન ગાંધીજીના વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવામાં અને પોરબંદરની ઐતિહાસિક ઓળખને ઉજાગર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સર્વોદય વનનાં મુખ્ય પ્રવેશ દ્વારનું નિર્માણ સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને પ્રથમ નજરે જ સાંસ્કૃતિક વૈભવનો અનુભવ થાય તેવું જાજરમાન પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યું છે. સ્વાગતમ પરિસર સાંસ્કૃતિક વનનું પ્રથમ આકર્ષણ અને મુલાકાતીઓ માટેનું આવકાર કેન્દ્ર છે.


