આણંદ, 20 ઓગસ્ટ, 2026 : Gambhira Bridge rebuilt and ready within just one year વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા અતિ મહત્વપૂર્ણ મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. તેથી સૌરાષ્ટ્ર તરફથી આવતા જતા વાહનોને લાંબો ફેરો કાપવાની ફરજ પડતી હતી. ગુજરાત સરકારે નવા બ્રિજને ત્વરિત મંજુરી આપીને એક વર્ષમાં નવા બ્રિજનું કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા આપવામાં આવી હતી. અને એક વર્ષમાં નવા બ્રિજનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એક નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે. હાલમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકતા પહેલાં બ્રિજ પર જરૂરી ટેસ્ટિંગ તેમજ ચકાસણીની અંતિમ તબક્કાની કામગીરી ખૂબ જ સઘન રીતે હાથ ધરવામાં આવી છે. અને ટુંક સમયમાં નવા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે.
મહિસાગર નદી પર ગંભીરા ગામ પાસે બનાવેલા નવા ઓવર બ્રિજના નિર્માણમાં આધુનિક સિવિલ એન્જિનિયરિંગ અને નવીન ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના મુખ્ય બાંધકામમાં ઈપોક્ષી કોટેડ સ્ટીલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે ભેજ વાળા વાતાવરણમાં પણ સ્ટીલને લાંબા ગાળા સુધી કાટ લાગવાની શક્યતા નહિવત થઈ જાય છે. આ ટેકનોલોજીથી બ્રિજની ટકાઉપણું અને કુલ આયુષ્યમાં મોટો વધારો થશે. આ ઉપરાંત બાંધકામની ગતિ ઝડપી બનાવવા માટે પ્રિકાસ્ટ એલિમેન્ટનો ઉપયોગ કરાયો હતો. બ્રિજના દરેક પિલ્લર પર ભવિષ્યમાં જરૂરી નિરીક્ષણ અને જાળવણી સરળતાથી થઈ શકે તે માટે ખાસ ઈન્સ્પેક્શન પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
આ બ્રિજને સમયસર પૂર્ણ કરવા માટે સરેરાશ 300 જેટલા શ્રમિકો અને એન્જિનિયરોની ટીમે દિવસ-રાત સતત મહેનત કરી હતી. યોગ્ય આયોજન, ગુણવત્તાયુક્ત સામગ્રી અને આધુનિક ટેકનોલોજીના સુમેળથી બ્રિજને અત્યંત મજબૂત, ટકાઉ અને સલામત સ્વરૂપ આપવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજ પરના તમામ સુરક્ષા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ આગળની નિયત સરકારી પ્રક્રિયા પૂરી કરીને તેને જાહેર જનતાના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.


