અમદાવાદ, 10 જુન, 2026 : Minerals Department raids જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુરમાં માટીનું ગેરકાયદે ખનન થતું હોવાની ફરિયાદો મળતા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને અદ્યતન એક્સકેવેટર મશીન અને 5 જેટલા ડમ્પરો સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગની ટીમને વીરપુર ગામમાં માટીનું ગેરકાયદે રીતે મોટું ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને તપાસ ટીમ દ્વારા વીરપુર ગામમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સાદી માટી ખનિજનું ગેરકાયદે ખનન અને વહન કરવાનું એક મોટું કૌભાંડ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે. ખાણ ખનિજ વિભાગની તપાસ ટીમ જ્યારે ઘટનાસ્થળે ત્રાટકી ત્યારે ત્યાં ગેરકાયદે ઉત્ખનનની કામગીરી ચાલી રહી હતી. ટીમે તાત્કાલિક પગલાં ભરીને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ એક અદ્યતન એક્સકેવેટર મશીન અને 5 જેટલા ડમ્પર વાહનોને ઘટનાસ્થળેથી જ જપ્ત કરી લીધા હતા.
ખાણ ખનિજ વિભાગના અધિકારીઓના કહેવા મુજબ જપ્ત કરવામાં આવેલા તમામ વાહનો અને અદ્યતન મશીનરી મળીને અંદાજે કુલ 2 કરોડ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે જવાબદારો સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની નિયમોનુસારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગની કામગીરીને પગલે ધોળકા પંથકના સ્થાનિક ખનિજ માફિયાઓ અને ગેરકાયદે તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


