1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શરીર અને મગજ માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે: નાણા રાજ્ય મંત્રી
શરીર અને મગજ માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે: નાણા રાજ્ય મંત્રી

શરીર અને મગજ માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે: નાણા રાજ્ય મંત્રી

0
Social Share

ગાંધીનગર, 21 જુન,2026 : Yoga’ is a powerful charger for the body and mind આજે સમગ્ર વિશ્વની સાથે ગાંધીનગરમાં પણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને ઉત્સાહપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં “Yoga for Healthy Ageing” -સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ થીમ પર એક વિશેષ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવતા નાણા રાજ્ય મંત્રી  કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર -UN સમક્ષ મૂકેલા પ્રસ્તાવ બાદ આજે યોગ માત્ર એક સામાન્ય કસરત નથી રહ્યો, પરંતુ એક વૈશ્વિક જીવનશૈલી -ગ્લોબલ લાઈફસ્ટાઈલ બની ચૂક્યો છે. હેલ્થ ઇન્સ્યોરન્સ એ બીમાર પડ્યા પછી હોસ્પિટલના બિલની ચૂકવણી માટે છે, જ્યારે યોગ એ બીમારીને દૂર રાખવાનું રોજનું ‘પ્રીમિયમ’ છે. જો તમે રોજ સવારે નિયમિત ૨૦ મિનિટ યોગનું આ ‘પ્રીમિયમ’ ભરશો, તો તમારું શરીર આજીવન ‘હેલ્થ ક્લેઇમ’ આપતું રહેશે.

મંત્રીએ ઘરકામ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે વ્યસ્ત રહેતી મહિલાઓ માટે એક અનોખો ‘આઉટ ઓફ ધ બોક્સ’ વિચાર રજૂ કરતા જણાવ્યું કે, મહિલાઓ માટે પોતાના માટે અલગથી સમય કાઢવો મુશ્કેલ હોય છે, પરંતુ તેઓ રોજિંદા કામની વચ્ચે મળતી નાની-નાની ક્ષણોનો પણ સ્માર્ટ ઉપયોગ કરી શકે છે. જેમ કે, રસોડામાં કામ કરતી વખતે થોડી ક્ષણો માટે ‘તાડાસન’ કરવું, કુકરની સીટી વાગે એટલી વારમાં ૧૦ વાર ‘પ્રાણાયામ’ કરી લેવા, અથવા વાસણ સાફ કર્યા પછી થોડું ‘સ્ટ્રેચિંગ’ કરી લેવું. આ નાના-નાના પ્રયાસો મહિલાઓના સ્વાસ્થ્યને ઉત્તમ રાખશે.

તેમણે એક સરસ ઉદાહરણ આપતા ઉમેર્યું કે, જેમ સ્માર્ટફોનને રોજ ચાર્જ કરવો પડે છે, તેમ આપણા શરીર અને મગજને રિચાર્જ કરવા માટે ‘યોગ’ એ પાવરફુલ ચાર્જર છે. ભલે બાહ્ય દુનિયાનું વાઇ-ફાઇ  બંધ હોય, પરંતુ યોગના માધ્યમથી આપણા અંતરાત્મા એટલે કે ‘ઇનર-ફાઇ’  સાથે કનેક્ટ થવું આજે અનિવાર્ય છે.” વધુમાં, તેમણે પ્રાણાયામને ફેફસાં અને લોહીને કુદરતી રીતે ડિટોક્સ કરતી એક એવી ‘મફત ટેકનોલોજી’ ગણાવી, જેના માટે મોંઘી દવાઓ કે વિદેશી પ્રોડક્ટ્સની કોઈ જરૂર નથી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી માર્ગદર્શન અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’ ના માધ્યમથી યોગને રાજ્યના પ્રત્યેક ઘર અને ગામ સુધી પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

આ પ્રસંગે ગાંધીનગરનાં મેયર  મીરાબેન પટેલે જણાવ્યું હતું કે,ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય ભેટ સમાન યોગ માત્ર કસરત નથી, પરંતુ શરીર, મન અને આત્માનો અદ્ભુત સમન્વય છે.  યોગ આપણને આજની દોડધામભરી જિંદગીમાં આંતરિક શાંતિ, ધીરજ અને સંતુલન જાળવતા શીખવે છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સહભાગી થઈને ચાલો આપણે સૌ યોગને જીવનનો કાયમી સંસ્કાર બનાવીએ, કારણ કે યોગ જ સાચા આનંદ અને સમૃદ્ધિનો આધાર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code