ગાંધીનગર, 23 જુન, 2026 : 28 retired ST buses converted into classrooms રાજ્યમાં સર્વસમાવેશી શિક્ષણ સુનિશ્ચિત કરવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે, ગુજરાત સરકાર દ્વારા અંતરિયાળ રણ અને મીઠું પકવતા વિસ્તારોમાં રહેતા અગરિયા પરિવારોના બાળકોને અવિરત શિક્ષણ મળી રહે તે માટે નવીન ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (School on Wheels) ‘રણશાળા’ પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આ પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે.
આજે જ્યારે રાજ્યભરમાં ‘શાળા પ્રવેશોત્સવ’નો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ એસ.ટી. ડેપો ખાતેથી આ ૨૮ રણશાળાનું બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની જ્યારે શરૂઆત કરાવી છે ત્યારે ગુજરાત એસટી દ્વારા અગરિયા વિસ્તારમાં ‘રણશાળા’ના એક ખૂબ જ નવા અભિગમ જોડે એસટીની જે વેસ્ટ બસો હતી એમાંથી કઈ રીતે તેનો બેસ્ટ ઉપયોગ થઈ શકે તેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ૨૮ રણ શાળા આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. આ રણશાળા એ એક ખૂબ જ યુનિક મોડલ છે. બસની અંદર ૨૦ થી વધુ બાળકો માટે સોલર એનર્જીના માધ્યમથી ટીવી અને ડીશ ટીવીની વ્યવસ્થા છે જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. રણની અંદર જે પરિવાર અગરિયા તરીકે કામ કરી રહ્યા છે તેમના બાળકોને ભણવા માટે ક્યાંકને ક્યાંક દૂર જવું ન પડે તે માટે પ્રત્યેક બાળકોને આ બસમાં ક્લાસ થકી આવનારા દિવસોમાં ભણતર આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, આ બસો જે બિન ઉપયોગી હાલતમાં હતી એ જ બસ આજે શાળાનો ઉત્તમ ક્લાસ હોય એ પ્રકારની વ્યવસ્થાઓ આ બસની અંદર કરવામાં આવી છે. આગામી સમયમાં પણ આ પ્રકારની વધુ બસો શિક્ષણ આપવાના હેતુથી તૈયાર કરવામાં આવશે જેથી છેવાડાનો એકપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેમ, તેમણે ઉમેર્યું હતું.


